ઔરંગઝેબની કબરને લઈને થયેલા વિવાદે સોમવારે હિંસક વળાંક લીધો હતો. મહારાષ્ટ્રના નાગપુરના મહેલમાં સોમવારે રાત્રે બે જૂથો વચ્ચેના વિવાદ બાદ હિંસા ફાટી નીકળી હતી. મહેલ બાદ મોડી રાત્રે હંસપુરીમાં પણ હિંસા થઈ હતી. અજાણ્યા લોકોએ દુકાનોમાં તોડફોડ કરી હતી અને વાહનોને આગ ચાંપી હતી. આ દરમિયાન ભારે પથ્થરમારો થયો હતો. હિંસા બાદ ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે.
પ્રથમ હિંસા નાગપુરના મહેલમાં થઈ હતી
પ્રથમ હિંસા નાગપુરના મહેલમાં થઈ હતી, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. જેમાં પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. ઉશ્કેરાયેલા ટોળાએ 25થી વધુ બાઇક અને ત્રણ કારને આગ ચાંપી દીધી હતી. અત્યાર સુધીમાં 60 થી 65 તોફાનીઓની અટકાયત કરવામાં આવી છે જ્યારે 25 થી 30 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.
આ હિંસા સંભાજી નગરમાં ઔરંગઝેબની કબરને લઈને વિવાદ વચ્ચે થઈ
આ હિંસા સંભાજી નગરમાં ઔરંગઝેબની કબરને લઈને વિવાદ વચ્ચે થઈ હતી. બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ આ મકબરાને તોડી પાડવાની માંગ કરી હતી. બંને જૂથોએ સોમવારે સવારે નાગપુરમાં વિરોધ પણ કર્યો હતો, જેના કલાકો પછી હિંસા ફાટી નીકળી હતી.
બદમાશોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો
સોમવારે સાંજે 7.30 વાગ્યે મહેલ વિસ્તારમાં ચિટનીસ પાર્ક પાસે હિંસા પ્રથમ વખત ફાટી નીકળી હતી. બદમાશોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે કહ્યું કે આ હિંસાથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર છે. અહીં બદમાશોએ કેટલાક વાહનોને આગ ચાંપી દીધી હતી. કેટલાક લોકોના ઘર પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. આ પછી જુના ભંડારા રોડ પાસેના હંસપુરી વિસ્તારમાં રાત્રે 10.30 થી 11.30 વાગ્યાની વચ્ચે બીજી અથડામણ થઈ હતી. ટોળાએ અનેક વાહનોને સળગાવી દીધા હતા.
નાગપુર પોલીસનું કહેવું છે કે અફવાઓને કારણે અથડામણ થઈ હતી.
નાગપુર પોલીસનું કહેવું છે કે અફવાઓને કારણે અથડામણ થઈ હતી. નાગપુર પોલીસના ડીસીપી (ટ્રાફિક) અર્ચિત ચાંડકે જણાવ્યું હતું કે આ ઘટના ગેરસમજને કારણે બની હતી પરંતુ સ્થિતિ હવે નિયંત્રણમાં છે. પથ્થરમારો થયો હતો, તેથી અમે બળનો ઉપયોગ કર્યો અને ટીયર ગેસનો પણ ઉપયોગ કર્યો.
ગુનેગારોને ઓળખવા માટે સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. નાગપુરના પોલીસ કમિશનર ડૉ. રવિન્દર સિંઘલે ખાતરી આપી છે કે સ્થિતિ નિયંત્રણમાં છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. દરમિયાન નાગપુરના પોલીસ કમિશનર ડો.રવિન્દર સિંઘલે જણાવ્યું હતું કે હાલમાં શહેરમાં સ્થિતિ શાંતિપૂર્ણ છે. તેમણે કહ્યું કે હિંસા રાત્રે 8 થી 8:30 વાગ્યાની વચ્ચે થઈ હતી, જેમાં બે વાહનો સળગાવી દેવામાં આવ્યા હતા અને પથ્થરમારાની ઘટનાઓ નોંધાઈ હતી.