- NDA ગઠબંધનના સહયોગી પક્ષોની આજે બેઠક,
- લોકસભા ચૂંટણી માટેની તૈયારી હવે પુરજોશમાં
- ભાજપના જૂના અને નવા સહયોગી પક્ષો બેઠકમાં લેશે ભાગ
ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ ગઠબંધનના સહયોગી પક્ષોની આજે મંગળવારે દિલ્હી ખાતે બેઠક યોજાવાની છે. વિરોધપક્ષો દ્વારા બેંગલુરુ ખાતે થઇ રહેલા એકતાના પ્રદર્શન વચ્ચે એનડીએની આ બેઠક શાસક ગઠબંધનની શક્તિના પ્રદર્શન સમાન બની રહેશે. સ્પષ્ટ છે કે શાસક અને વિરોધપક્ષ વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટેની તૈયારીમાં લાગી ગયા છે. શાસક પક્ષ ભાજપે તાજેતરના સપ્તાહમાં નવા સહયોગી પક્ષો શોધવા અને ગઠબંધન છોડીને ગયેલા જૂના સહયોગી પક્ષોને રાજી કરવા ભારે જહેમત લીધી હતી. તેને પરિણામે આજે યોજાનારી એનડીએ બેઠકમાં ભાજપના નવા અને જૂના બંને સહયોગી પક્ષોની હાજરી જોવા મળશે.
મિશન 2024 સાથે કનેક્શન
ભાજપ પોતાના સહયોગી પક્ષોને સંભાળી નથી શકતું તે મુજબ થતી રહેતી આલોચના વચ્ચે એનડીએની નવી તાકાતનું પ્રદર્શન થશે. બેઠકમાં તમામ પ્રદેશનું પ્રતિનિધિત્વ જોવા મળશે. ભાજપે જનતા દળ (યુનાઇટેડ), ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેના અને અકાલી દળ જેવા તેના પરંપરાગત જૂના સહયોગી પક્ષોને ગુમાવી દીધા છે. પરંતુ સાચી શિવસેના તરીકે માન્યતા પ્રાપ્ત કરી ચૂકેલા શિવસેનાના શિંદે જૂથ સાથે, એનસીપીના અજિત પવાર જૂથ ઉત્તરપ્રદેશના ઓ.પી. રાજભર તેમજ બિહારના જિતનરામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહા જેવા સહયોગી મેળવવામાં તેને સફળતા મળી છે. ભાજપના પ્રમુખ જગતપ્રકાશ નડ્ડા તમામ સહયોગી પક્ષોને એનડીએની બેઠકમાં ભાગ લેવા નિમંત્રણ પાઠવી ચૂક્યા છે. બેઠકમાં વડાપ્રધાન મોદી અને ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ ભાગ લેશે.
38 પક્ષોના નેતા એનડીએ બેઠકમાં ભાગ લેશે : ભાજપ અધ્યક્ષ નડ્ડા
ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ જણાવ્યું છે કે મંગળવારે દિલ્હીમાં યોજાનારી શાસક એનડીએ ગઠબંધનની બેઠકમાં 38 પક્ષોના નેતા ભાગ લેવાના છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની યોજના અને નીતિ પ્રજામાં હકારાત્મક પ્રભાવ ધરાવતી હોવાથી એનડીએના સહયોગી પક્ષોમાં પણ ભારે ઉત્સાહ છે.









