- ભારતે તુર્કી અને સીરિયાને મદદ કરવા માટે મદદનો હાથ લંબાવ્યો
- વડાપ્રધાન કાર્યાલયની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં તુર્કીને મદદ આપવાનો નિર્ણય
- તુર્કી સરકાર સાથે સંકલન કરીને NDRF અને તબીબી ટીમોને રાહત સામગ્રી સાથે મોકલવાની તૈયારી
ભારતે હવે ભૂકંપની તબાહીનો સામનો કરી રહેલા તુર્કી અને સીરિયાને મદદ કરવા માટે મદદનો હાથ લંબાવ્યો છે. સોમવારે વડાપ્રધાન કાર્યાલયની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં તુર્કીને મદદ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તુર્કી સરકાર સાથે સંકલન કરીને NDRF અને તબીબી ટીમોને રાહત સામગ્રી સાથે મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે.
ભારતે મદદ માટે હાથ લંબાવ્યો
તુર્કીમાં આવેલા ભીષણ ભૂકંપના કારણે અત્યાર સુધીમાં સેંકડો લોકોના મોત થયા છે. આ ભયાનક કુદરતી આપત્તિનો સામનો કરવા માટે ભારત સરકારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની એક ટીમ મોકલવાનો નિર્ણય કર્યો છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. 100 સભ્યોની NDRP ટીમને ભારતથી તુર્કી મોકલવામાં આવી રહી છે. જેમાં ડોગ સ્ક્વોડ, ડોકટરોની ટીમ અને મોટી માત્રામાં રાહત સામગ્રી મોકલવામાં આવી રહી છે. આ પહેલ PM નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે ત્યારબાદ PMOમાં અધિકારી સ્તરની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, સોમવારે પૂર્વી તુર્કીમાં મોટો ભૂકંપ આવ્યો હતો જેની તીવ્રતા 7.8 હતી. આ ભૂકંપની અસર સૌથી વધુ તુર્કી અને સીરિયામાં જોવા મળી છે. બંને દેશોમાં અત્યાર સુધીમાં 1300થી વધુ લોકોના મોત થયા છે. તુર્કીના એક અધિકારીએ આ જાણકારી આપી હતી. તુર્કીના વાઈસ પ્રેસિડેન્ટ ફુઆત ઓકટેઈસે જણાવ્યું હતું કે અસરગ્રસ્ત 10 પ્રાંતોમાં 2800થી વધુ ઈમારતો ધરાશાયી થઈ છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. ભૂકંપમાં મૃત્યુઆંક વધવાની આશંકા છે કારણ કે બચાવકર્તા હજુ પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં કાટમાળમાં ફસાયેલા લોકોને શોધી રહ્યા છે.
ધરાશાયી ઈમારતમાં લોકો ફસાયા
આંશિક રીતે ધરાશાયી થયેલી ઈમારતોની અંદર ફસાયેલા લોકો અને શેરીઓમાં લોકો મદદ માટે વિનંતી કરતા જોવા મળે છે. કૈરો સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્ર સીરિયન સરહદથી લગભગ 90 કિમી દૂર ગાઝિયાંટેપ શહેરની ઉત્તરે હતું. એટમેહ શહેરના એક ડોક્ટર મુહિબ કદ્દૌરે ફોન પર એસોસિએટેડ પ્રેસને કહ્યું હતું કે, અમને સેંકડો લોકો માર્યા જવાથી જાનહાનિનો ભય છે.
સીરિયન સિવિલ ડિફેન્સે લોકોને ઈમારતોની બહાર ખુલ્લી જગ્યામાં રહેવા કહ્યું છે. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ગાઝિયાંટેપથી લગભગ 33 કિમી દૂર 18 કિમીની ઊંડાઈએ હતું. તેના આંચકા પ્રાંતોમાં અનુભવાયા હતા. ભૂકંપ એવા સમયે આવ્યો છે જ્યારે પશ્ચિમ એશિયા બરફના તોફાનની પકડમાં છે જે ગુરુવાર સુધી ચાલુ રહેવાની ધારણા છે. 1999માં ઉત્તર પશ્ચિમ તુર્કીમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં લગભગ 18,000 લોકો માર્યા ગયા હતા.