• પેપર લીક મામલે સુપ્રીમે કેન્દ્ર, NTA પાસેથી જવાબ માગ્યો

  • NEET-UGની પવિત્રતા પર અસર થઈ હોવાથી અમારે જવાબો જોઈએ : SC
  • સુપ્રીમ કોર્ટ રેગ્યુલર સુનાવણી ઉનાળુ વેકેશન પૂરું થયા બાદ 8 જુલાઈથી હાથ ધરશે

મેડિકલમાં પ્રવેશ માટેની પરીક્ષા NEET-UG 2024માં પેપર લીક તથા અન્ય ગેરરીતિઓ મુદ્દે સ્ટુડન્ટ્સ ભારે નારાજ છે. આ મામલે મંગળવારે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ અહેસાનુદ્દીન અમાનુલ્લાહની વેકેશન બેન્ચ દ્વારા સુનાવણી થઈ, જે દરમિયાન કોર્ટે એક્ઝામ ફરી લેવાની દાદ માગતી અરજીના અનુસંધાને કેન્દ્ર સરકારને અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)ને નોટિસ જારી કરીને જવાબ માગ્યો હતો.

જોકે કોર્ટે એમબીબીએસ, બીડીએસ તથા અન્ય કોર્સિસમાં પ્રવેશ માટે પાસ ઉમેદવારોના કાઉન્સેલિંગ પર રોક લગાવવાનો કે પરીક્ષા રદ કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે એવું અવલોકન કર્યું હતું કે NEET-UGની પવિત્રતા પર અસર થઈ છે, જેથી અમારે જવાબો જોઈએ છે. બિહારમાં NEETની એક્ઝામ હાથ ધરવામાં ગેરરીતિના આક્ષેપો થયા હોવાથી સુપ્રીમ કોર્ટે બિહાર સરકારને પણ નોટિસ પાઠવી હતી. સુપ્રીમ કોર્ટ રેગ્યુલર સુનાવણી ઉનાળુ વેકેશન પૂરું થયા બાદ 8 જુલાઈથી હાથ ધરશે. સ્ટુડન્ટ્સના કાઉન્સેલિંગ પર રોક લગાવવાની અરજદાર સ્ટુડન્ટ્સના વકીલની રજૂઆતના જવાબમાં કોર્ટે કહ્યું કે કાઉન્સેલિંગ ભલે શરૂ થાય, અમે કાઉન્સેલિંગ રોકી રહ્યા નથી, રોકીશું પણ નહીં. તમે વધારે દલીલ કરશો તો અમે આ અરજી ફગાવી દઈશું.

જાણો મામલો શું છે?

NEET-UGની એક્ઝામ ગત પાંચમી મેના રોજ લેવાઈ હતી અને ચોથી જૂને પરિણામ આવ્યું હતું. અરજદારોનું કહેવું છે કે પ્રશ્નપત્રો લીક થયા હતા. ઘણા સ્ટુડન્ટ્સ પ્રશ્નપત્રો એડવાન્સમાં મેળવીને પાસ થયા છે. 67 સ્ટુડન્ટે 720માંથી 720 માર્ક્સ મેળવ્યા છે. કુલ એક લાખ ઉપલબ્ધ સીટો સામે 23 લાખ સ્ટુડન્ટ્સે એક્ઝામ આપી હતી. ભારતીય વિદ્યા ભવન મહેતા વિદ્યાલય, નવી દિલ્હી ખાતે NEET એક્ઝામની પેપર સોલ્વર ગેંગ ચલાવવા બદલ બે MBBS સ્ટુડન્ટ સહિત ચાર લોકોની ધરપકડ થઈ ચૂકી છે. એક અરજદારે સુપ્રીમ કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે પેપર પટણામાં લીક થયું હતું તેમજ રાજસ્થાનમાં ઉમેદવારોને ખોટા પ્રશ્નપત્ર અપાયા હતા. અરજદારોની માગ છે કે NEET-UG 2024નું પરિણામ પાછું ખેંચીને નવેસરથી એક્ઝામ લેવામાં આવે.

  • Follow us on: