- ગ્રેસ માર્ક્સ મેળવનારા વિદ્યાર્થી પરીક્ષા નહીં આપે તો ગ્રેસ વગરના માર્ક્સ પ્રવેશમાં ધ્યાનમાં લેવાશે
- સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વખતે કેન્દ્ર સરકાર અને NTA દ્વારા નવી ફોર્મ્યુલા રજૂ કરાઈ
- પેપર લીકની અરજી પર કોર્ટ દ્વારા કેસની વધુ સુનાવણી 8 જુલાઈએ હાથ ધરાશે
મેડિકલ અને BDSમાં પ્રવેશ માટે લેવાયેલી NEETની પરીક્ષામાં 1,563 વિદ્યાર્થીઓને ગેરરીતિઓ આચરીને ગ્રેસનાં માર્ક્ર્સ આપી પાસ કરાયા હોવાનો વિવાદ આખા દેશમાં ચર્ચાસ્પદ બન્યો છે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં ગ્રેસ માર્ક્ર્સને લગતા મુદ્દે સુનાવણી વખતે કેન્દ્ર સરકાર તેમજ NAT દ્વારા નવી ફોર્મ્યુલા રજૂ કરવામાં આવી હતી.
જે મુજબ કેન્દ્ર સરકાર અને NAT એ 1,563 વિદ્યાર્થીઓનાં ગ્રેસ માર્ક્ર્સ રદ કરવાનું નક્કી કર્યું છે. તેમનાં ગ્રેસ માર્ક્ર્સ વિનાનાં નવા સ્કોરકાર્ડ તૈયાર કરાશે. આ 1,563 વિદ્યાર્થીઓને 23 જૂને ફરી પરીક્ષા આપવાનો વિકલ્પ અપાશે. 1,563 વિદ્યાર્થીઓ જો ફરીથી પરીક્ષા આપવા ઇચ્છે તો તેઓ 23મીએ ફરી પરીક્ષા આપી શકશે. 30મીએ પરિણામ જાહેર કરાશે. વિદ્યાર્થીઓ નવા ગ્રેસ માક્ર્સ વિનાનાં સ્કોરકાર્ડ સાથે કે નવી પરીક્ષામાં મેળવેલ માર્ક્સ સાથે 6 જુલાઈએ કાઉન્સેલિંગમાં હાજર રહી શકશે. નીટની પરીક્ષામાં મોટાપાયે ગેરરીતિઓ આચરવામાં આવી હોવાની ફરિયાદ સાથે સુપ્રીમ કોર્ટમાં કેટલાક રાજ્યો અને હજારો વિદ્યાર્થીઓ દ્વારા અરજીઓ કરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે સરકાર અને NAT એ નવી સુધારેલી દરખાસ્ત રજૂ કરી હતી. પેપર લીક થયાનાં મામલે કોર્ટ દ્વારા હવે 8મી જુલાઈએ વધુ સુનાવણી હાથ ધરવાનું નક્કી કરાયું છે. અરજદારોએ એવી રજૂઆત કરી હતી કે પરીક્ષા આપનાર 1,563 વિદ્યાર્થીઓનાં ગ્રેસ માક્ર્સ ખોટા છે જે રદ કરવામાં આવે. હાલનાં પરિણામને આધારે કરવામાં આવનાર કાઉન્સેલિંગ પણ રદ કરવામાં આવે અને નીટની પરીક્ષા રદ કરીને ફરીથી લેવામાં આવે. હાલ કેસની સુનાવણી જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચ દ્વારા કરવામાં આવી રહી છે.
વિવાદ શું છે ?
નીટની પરીક્ષામાં 67 જેટલા વિદ્યાર્થીને પૂરા 720 માર્ક્સ મળ્યા હતા. તેમાંથી છ વિદ્યાર્થી તો હરિયાણાના ફરીદાબાદ કેન્દ્રના હતા. મેઘાલય, હરિયાણા, છત્તીસગઢ, સુરત અને ચંદીગઢ કેન્દ્રના વિદ્યાર્થીઓએ સમય કપાયો હોઈ ફરિયાદ કરી હતી. આથી 1563 વિદ્યાર્થીને સમયના અભાવ સામે ગ્રેસ માર્ક્સ અપાયા હતા. 67માંથી 44ને ફિઝિક્સની આન્સર કીમાં ફેરફાર થવાથી અને છ વિદ્યાર્થીને સમયના અભાવે ગ્રેસ માર્ક્સ અપાયા હતા.
કોર્ટે અગાઉ પરીક્ષા કે કાઉન્સેલિંગ રદ કરવા ઇનકાર કર્યો હતો
સુપ્રીમ કોર્ટનાં જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ એ. અમાનુલ્લાહની બેન્ચે અગાઉ 11મીએ હાથ ધરાયેલી સુનાવણીમાં કહ્યું હતું કે નીટની પરીક્ષામાં ગેરરીતિઓ અને ગ્રેસનાં માક્ર્સ આપવાની ફરિયાદથી પરીક્ષાની પવિત્રતા પ્રભાવિત થઈ છે. આથી કેન્દ્ર સરકાર અને NAT 4 અઠવાડિયામાં જવાબ આપે. કોર્ટે તે વખતે પરીક્ષા રદ કરવા કે કાઉન્સેલિંગ રદ કરવાનો ઇનકાર કર્યો હતો.
ભ્રષ્ટાચારના આક્ષેપો નિરાધારઃ શિક્ષણ પ્રધાન
કેન્દ્રનાં શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે નીટનું પેપર લીક થયાનાં કોઈ પુરાવા નથી. NTA પર કરવામાં આવેલા ભ્રષ્ટાચારનાં આરોપો ખોટા અને નિરાધાર છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી ચાલી રહી છે જેનાં નિર્ણયનું અમે પાલન કરીશું. કોઈ વિદ્યાર્થીને નુકસાન ન થાય તેની તકેદારી રાખવામાં આવશે.
નીટનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં લઈ જનાર અલખ પાંડે કોણ છે?
નીટનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં લઈ જનાર અલખ પાંડે ફિઝિક્સનાં શિક્ષક છે. તેઓ ફિઝિક્સવાલાનાં ફાઉન્ડર તરીકે ઓળખાય છે. IIT કાનપુરમાં ભણેલા છે. નીટ યુજીને લગતી અનેક અરજીઓમાં તેઓ અરજદાર છે. તેમણે વિદ્યાર્થીઓને ઓછા બજેટમાં સારા શિક્ષણ માટે ફિઝિક્સવાલા કોચિંગ કંપની નામની શિક્ષણ સંસ્થા શરૂ કરી છે. ઉચ્ચ પરીક્ષાઓ આપવા માટે તૈયારી કરવા વિદ્યાર્થીઓ તેમની મદદ અને સલાહ લેતા હોય છે. તેમની ફિઝિક્સવાલા કોચિંગ કંપની 101મી યુનિકોર્ન કંપની બની ગઈ છે. તેમાં વેસ્ટબ્રિજ અને જીએસવી વેન્ચર્સે 100 મિલિયન ડૉલરનું રોકાણ કર્યું છે. તેમણે રૂ. 4 કરોડની ઓફર ફગાવીને પોતાનાં કોચિંગ ક્લાસ શરૂ કર્યા છે.