NEET UG પેપર મામલાને લગતા પ્રશ્નોથી ઘેરાયેલ NTAમાં સુધારા માટે સુપ્રીમ કોર્ટે સરકારને હાઈ પાવર કમિટીની રચના કરવા અને રિપોર્ટ સબમિટ કરવાનો આદેશ આપ્યો હતો. આ માટે 30મી સપ્ટેમ્બર સુધીનો સમય નક્કી કરાયો છે. હવે આ મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે સુપ્રીમ કોર્ટને આ સમયગાળો વધુ લંબાવવાની વિનંતી કરી છે. આ માટે અરજી દાખલ કરવામાં આવી છે. મંત્રાલયે કહ્યું કે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)માં સુધારા માટે રચાયેલી હાઈ પાવર કમિટીને અંતિમ રિપોર્ટ સબમિટ કરવા માટે વધુ ત્રણ અઠવાડિયા (21 ઓક્ટોબર સુધી) આપવામાં આવે.
18 સપ્ટેમ્બરે મંત્રાલયને પ્રથમ ડ્રાફ્ટ રિપોર્ટ સુપરત કર્યો હતો
શિક્ષણ મંત્રાલયે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, કમિટીએ અત્યાર સુધીમાં 22 બેઠકો યોજી છે, જે NTAમાં સુધારા સાથે સંબંધિત છે. કમિટીએ 18 સપ્ટેમ્બરે મંત્રાલયને પ્રથમ ડ્રાફ્ટ રિપોર્ટ પણ સુપરત કર્યો હતો. પરંતુ કમિટીએ કહ્યું છે કે, પરીક્ષામાં પારદર્શિતા અને જીરો એરર માટે વધુ વિચારણા કરવાની જરૂર છે. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટે અંતિમ રિપોર્ટ તૈયાર કરવા માટે 3 અઠવાડિયાનો સમય આપવો જોઈએ.
પોર્ટલ પર 37 હજાર 144 સૂચનો મળ્યા
શિક્ષણ મંત્રાલયે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, MY.GOV પોર્ટલ પર વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને નિષ્ણાતો તરફથી 37 હજાર 144 સૂચનો મળ્યા છે. આ ઉપરાંત પરીક્ષાનું સંચાલન કરતી એજન્સીઓ, રાજ્ય સરકારો, પોલીસ અધિકારીઓ, શિક્ષણવિદો, ટેકનિકલ નિષ્ણાતો, વૈશ્વિક પરીક્ષણ નિષ્ણાતો અને અન્ય નિયમનકારી સંસ્થાઓની પણ સલાહ લેવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે આ વાત કહી હતી
અગાઉ 2 ઓગસ્ટે આપેલા તેના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને NTA (પરીક્ષા પ્રક્રિયાઓને સુધારવા) માટે એક હાઈ પાવર કમિટીની નિમણૂક કરવા અને 30 સપ્ટેમ્બર સુધીમાં તેનો અહેવાલ સુપરત કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે શિક્ષણ મંત્રાલયને રિપોર્ટ મળ્યાના એક મહિનામાં સમિતિની ભલામણો પર નિર્ણય લેવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત કોર્ટે કહ્યું હતું કે, મંત્રાલયે તેના નિર્ણયના આધારે એક એક્શન પ્લાન તૈયાર કરવો પડશે. મંત્રાલયે ભલામણોના અમલીકરણ અંગે નિર્ણય લેવાના બે અઠવાડિયામાં રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે.
NTAનું શું કામ છે?
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દેશમાં રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓનું આયોજન કરે છે. NEET UG, UGC NET, CUET UG, CUET PG સહિતની ઘણી રાષ્ટ્રીય સ્તરની પ્રવેશ પરીક્ષાઓ NTA દ્વારા લેવામાં આવે છે. તેનું કામ પરીક્ષાનું સૂચારૂ રૂપે આયોજન કરવું અને પરિણામ જાહેર કરવાનું છે. NTAએ શિક્ષણ મંત્રાલય હેઠળની એક સ્વાયત્ત એજન્સી છે. તેની સ્થાપના નવેમ્બર 2017માં પ્રવેશ પરીક્ષાઓ અને ભરતી કરવા માટે કરવામાં આવી હતી.