દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામને મંજૂરી આપવા માટે આજે સવારે 11.30 વાગ્યે આમ આદમી પાર્ટી (AAP) ધારાસભ્ય દળની બેઠક મળી હતી. જેમાં દિલ્હીના નવા સીએમ તરીકે આતિશીની પસંદગી કરવામાં આવી છે. ધારાસભ્ય દળના નેતા તરીકે તેમને પસંદ કરાયા છે. બેઠકમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મુક્યો હતો.
અરવિંદ કેજરીવાલ આપશે રાજીનામુ
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સાંજે 4.30 વાગ્યે રાજ્યપાલ (એલજી) વીકે સક્સેનાને મળશે. આ દરમિયાન કેજરીવાલ સીએમ પદ પરથી રાજીનામું આપી દેશે તેવી આશા છે. રાજીનામાની સાથે ધારાસભ્ય દળના નેતાના નામનો પત્ર પણ એલજીને સુપરત કરી શકાશે. ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલે રવિવારે જાહેરાત કરી હતી કે તેઓ બે દિવસ પછી દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દેશે .
ત્રીજા મહિલા મુખ્યમંત્રી
આમ આદમી પાર્ટીમાં એવા કેટલાક એવા નામ છે જે શરૂઆતથી જ પાર્ટી સાથે જોડાયેલા છે. તેમાંથી એક નામ એટલે આતિશી માર્લેના સિંહ. પૂર્વ દિલ્હીથી મેદાનમાં ઉતરેલા આતિશી એ ઉમેદવારોમાં સામેલ હતા જેમના નામની 2019ની લોકસભા ચૂંટણીમાં AAP દ્વારા પ્રથમ જાહેરાત કરવામાં આવી હતી. તેઓને દિલ્હીના નવા શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા છે. મહત્વનું છે કે આતિશી દિલ્હીની ત્રીજી મહિલા મુખ્યમંત્રી છે. આ પહેલા સુષ્મા સ્વરાજ અને શીલા દીક્ષિત આ પદ પર રહી ચૂક્યા છે.
આ કામ પણ કરી ચૂક્યા છે આતિશી
- 2020ની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આતિશીને પાર્ટીની ટિકિટ પર કાલકાજી પ્રદેશમાંથી ચૂંટણી જીતી હતી. ભાજપના ઉમેદવારને 11 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા.
- તેઓ અરવિંદ કેજરીવાલના નજીકના અને વિશ્વાસુ ગણાય છે.
- કાલકાજીના AAP ધારાસભ્ય, આતિશીએ પાર્ટીની રાજકીય બાબતોની સમિતિના સભ્ય હોવા ઉપરાંત ઘણી મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે.
- તેમણે જુલાઈ 2015 થી એપ્રિલ 2018 સુધી દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન અને શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાના સલાહકાર તરીકે કામ કર્યું છે.
- દિલ્હીની સરકારી શાળાઓમાં શિક્ષણના ધોરણને સુધારવા માટે ઘણી યોજનાઓ પર કામ કર્યું.









