કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહએ આજે દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે અચાનક મુલાકાત કરી છે. આ મુલાકાત રાજકીય દ્રષ્ટિએ મહત્વપૂર્ણ બની રહી છે રવિવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રાષ્ટ્રપતિને મળ્યા હોવાના અહેવાલ આવ્યા હતા. આ મુલાકાત અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. બંને મુલાકાતો સૂચક છે અને તેના કારણે અનેક અટકળો થઇ રહી છે. દેશમાં કોઈ મહત્વપૂર્ણ રાજકીય વ્યૂહરચના ઘડાઇ રહી હોવાની ચર્ચા ચાલી રહી છે અને તેમાં પણ ખાસ કરીને તે સમયે જ્યારે સંસદમાં વિપક્ષ સતત હોબાળો કરી રહ્યો છે.

સંસદનું કામકાજ અટવાયું

વિપક્ષ ખાસ કરીને બિહારમાં ચૂંટણી પંચની 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)' પ્રક્રિયા પર સવાલો ઉઠાવી રહ્યો છે. વિપક્ષ આ મુદ્દે સંસદમાં ચર્ચા માંગે છે, પણ સરકાર તે માટે તૈયાર નથી, જેના કારણે સંસદનું કામકાજ અશાંત છે.

ઉપરાષ્ટ્રપતિપદ માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ

આ આખી ઘટનાક્રમ ત્યારે બની રહ્યો છે જ્યારે આગામી ઉપરાષ્ટ્રપતિના ચૂંટણી માટે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ માટે 9 સપ્ટેમ્બરના રોજ મતદાન થશે. 7 ઓગસ્ટે અધિકૃત જાહેરનામું બહાર પડશે તથા ઉમેદવારો 21 ઓગસ્ટ સુધીમાં ઉમેદવારી નોંધાવી શકશે. 22 ઓગસ્ટે ઉમેદવારીની ચકાસણી થશે. આ ઘટનાની સાથે, એવું માનવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન અને ગૃહમંત્રીએ રાષ્ટ્રપતિ સાથે ની મુલાકાતો પણ આની તૈયારી સાથે જોડાયેલી હોઈ શકે છે.

પીએમ મોદીની અગાઉની મુલાકાતો પણ નોંધપાત્ર હતી

16 જુલાઈના રોજ વડાપ્રધાને રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. એ મુલાકાત સંસદના મોનસૂન સત્ર પહેલાં યોજાઈ હતી. 7 મેના રોજ પીએમ મોદીએ રાષ્ટ્રપતિને 'ઓપરેશન સિંદૂર' અંગે માહિતગાર કર્યા હતા. સંભવિત ઉપરાષ્ટ્રપતિની રેસ, વિપક્ષનો દબાવ અને અચાનક થયેલી મીટિંગ્સ, આ બધું દર્શાવે છે કે દિલ્હીના રાજકીય મોરચે આવનારા દિવસોમાં મોટા ફેરફાર અથવા વ્યૂહરચનાઓ સામે આવી શકે છે.