કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ ફરી એકવાર 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ચર્ચામાં છે. છેલ્લા બે મહિનાથી જંતર-મંતર પર ચાલી રહેલા આંદોલનને લઈને CJPએ આને પોતાની સૌથી મોટી જીત ગણાવી છે. પાર્ટીનો દાવો છે કે સોશિયલ મીડિયાથી શરૂ થયેલી આ ઝુંબેશ ધીમે-ધીમે દેશભરના યુવાનોનો અવાજ બની ગઈ. આ આખી ઘટનાએ એ પણ બતાવી દીધું કે ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હવે માત્ર મનોરંજનનું માધ્યમ નથી રહ્યા, પરંતુ મોટા જન આંદોલનોનું મંચ પણ બની રહ્યા છે.
એક કમેન્ટથી શરૂ થઈ આખી વાર્તા
મે 2026માં સુપ્રીમ કોર્ટમાં એક સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતની એક ટિપ્પણી સોશિયલ મીડિયા પર વિવાદનો વિષય બની ગઈ. CJP અને તેના સમર્થકોનું કહેવું છે કે આ ટિપ્પણી બાદ જ તેમણે 'કોકરોચ' શબ્દને વિરોધના પ્રતીક તરીકે અપનાવ્યો હતો.
ઔરંગાબાદના અભિજીત દીપકેએ CJPની કરી શરૂઆત
તેના પછીના જ દિવસે, 16 મે 2026ના રોજ મહારાષ્ટ્રના ઔરંગાબાદના અભિજીત દીપકેએ 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ની શરૂઆત કરી. બોસ્ટન યુનિવર્સિટીના વિદ્યાર્થી અને રાજકીય સંચાર વ્યૂહરચનાકાર (Political Communication Strategist) દીપકેએ આને એક વ્યંગાત્મક ચળવળ (Satirical Movement) ગણાવી, જેની ટેગલાઇન રાખવામાં આવી - Voice of the Lazy & Unemployed.
ઇન્સ્ટાગ્રામ બન્યું આંદોલનનું સૌથી મોટું મંચ
17 મેના રોજ @cockroachjantaparty નામે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ લોન્ચ કરવામાં આવ્યું. શરૂઆત મીમ્સ, રીલ્સ અને વ્યંગાત્મક પોસ્ટ્સથી થઈ. બેરોજગારી, NEET-UG પરીક્ષામાં કથિત ગેરરીતિઓ, શિક્ષણ વ્યવસ્થા, મોંઘવારી અને યુવાનોને લગતા મુદ્દાઓ પર સતત કન્ટેન્ટ પોસ્ટ કરવામાં આવવા લાગ્યું.
અભિયાન ઝડપથી થયું વાયરલ
લોન્ચના થોડા જ દિવસોમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સાથે કરોડો લોકો જોડાઈ ગયા અને આ અભિયાન ઝડપથી વાયરલ થઈ ગયું. મોટી સંખ્યામાં યુવાનોએ પાર્ટીની વેબસાઇટ પર સભ્યપદ પણ લીધું. પાર્ટીના જણાવ્યા અનુસાર ગ્રાફિક્સ, પોસ્ટર, મેનિફેસ્ટો અને સોશિયલ મીડિયા કન્ટેન્ટ તૈયાર કરવા માટે ChatGPT અને Claude જેવા AI ટૂલ્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઓછા સંસાધનોમાં તૈયાર કરાયેલું આ ડિજિટલ અભિયાન જોતજોતામાં લાખો યુવાનો સુધી પહોંચી ગયું.
સોશિયલ મીડિયાથી રોડ સુધી પહોંચ્યું આંદોલન
જૂન અને જુલાઈ આવતા-આવતા આ આંદોલન સોશિયલ મીડિયાથી નીકળીને દિલ્હીના જંતર-મંતર સુધી પહોંચી ગયું. CJP અને કેટલાક વિદ્યાર્થી સંગઠનો સતત વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા. આંદોલનની મુખ્ય માંગણીઓમાં NEET-UG પરીક્ષામાં કથિત ગેરરીતિઓની નિષ્પક્ષ તપાસ, પરીક્ષા પદ્ધતિમાં સુધારો અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાનો સમાવેશ થતો હતો. આ દરમિયાન 'ચલો સંસદ' માર્ચ પણ કાઢવામાં આવી. જંતર-મંતર પર ધરણાં, પ્રદર્શન અને સોશિયલ મીડિયા કેમ્પેઇન એકસાથે ચાલતા રહ્યા. CJPનું કહેવું હતું કે આ આંદોલન યુવાનોનો અવાજ ઉઠાવવા માટે છે અને તેને સંપૂર્ણપણે વોલેન્ટિયર મોડલ પર ચલાવવામાં આવ્યું હતું.
ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક થતાં ચર્ચા વધુ વધી
જુલાઈમાં પ્રદર્શન દરમિયાન CJPનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ થોડા સમય માટે બંધ થઈ ગયું. આ પછી અભિજીત દીપકેએ X (ટ્વિટર) પર પોસ્ટ કરીને દાવો કર્યો કે Metaએ પાર્ટીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હટાવી દીધું છે. પાછળથી એકાઉન્ટ ફરી ચાલુ કરી દેવામાં આવ્યું. આ આખી ઘટનાએ સોશિયલ મીડિયા પર નવી બહેસ છેડી દીધી અને CJP ફરીથી ટ્રેન્ડ કરવા લાગી. CJP સમર્થકોએ આ પોસ્ટ્સ અને રીલ્સ પર વ્યંગાત્મક પ્રતિક્રિયાઓ આપી જેનાથી સોશિયલ મીડિયા પર આ બંને પક્ષો વચ્ચે ડિજિટલ ચર્ચા સતત ચાલુ રહી.
મોડી રાત્રે વડાપ્રધાન મોદીનો ઇન્સ્ટાગ્રામ વિડીયો
આ જ ઘટનાક્રમ વચ્ચે બુધવારે રાત્રે 11 વાગ્યેને 52 મિનિટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો. આ વિડીયો તેમના સામાન્ય સંબોધનો કરતાં અલગ હતો. તેને મોબાઈલના ફ્રન્ટ કેમેરાથી વર્ટિકલ ફોર્મેટમાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો.
આખા આંદોલનનું સૌથી મોટું કેન્દ્ર આ પ્લેટફોર્મ
વિડીયોની શરૂઆત તેમણે પોતાના પરંપરાગત સંબોધન 'મિત્રો'ને બદલે 'ફ્રેન્ડ્સ' કહીને કરી હતી. ઘણા લોકોનું માનવું હતું કે ઇન્સ્ટાગ્રામને માધ્યમ બનાવવા પાછળ યુવાનો સુધી સીધા પહોંચવાનો પ્રયાસ હોઈ શકે છે, કારણ કે આ પ્લેટફોર્મ આખા આંદોલનનું સૌથી મોટું કેન્દ્ર રહ્યું હતું.
24 કલાકમાં બીજી વાર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 કલાકની અંદર બીજી વાર ઇન્સ્ટાગ્રામ પર વિડીયો પોસ્ટ કર્યો. વિડીયોમાં તેમણે લોકોનો આભાર માનતા કહ્યું કે, તેમના છેલ્લા વિડીયો પર મળેલા હકારાત્મક સૂચનો અને પ્રતિક્રિયાઓ માટે તેઓ સૌનો આભાર માને છે. તેમણે આશા વ્યક્ત કરી કે લોકોનો પ્રેમ અને સમર્થન આગળ પણ આ જ રીતે જળવાઈ રહેશે.
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ જંતર-મંતર પર ઉજવણી
25 જુલાઈ 2026ના રોજ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આખરે X પર પોસ્ટ કરીને પોતાના રાજીનામાની જાણકારી આપી. તેમણે લખ્યું કે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનું રાજીનામં સોંપી દીધું છે. પોતાના સંદેશમાં તેમણે વિદ્યાર્થીઓના ભવિષ્ય, રાષ્ટ્રહિત અને જંતર-મંતરની સ્થિતિનો ફાયદો 'દેશવિરોધી તત્વો' (Anti-National Forces) દ્વારા ન ઉઠાવવામાં આવે જેવી વાતો પણ કહી.
શું બદલાઈ ગઈ છે આંદોલનની રાજનીતિ?
કોકરોચ જનતા પાર્ટીની આ સફર એ વાતનું ઉદાહરણ બની ગઈ કે સોશિયલ મીડિયા પર શરૂ થયેલું એક વ્યંગાત્મક અભિયાન પણ રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બની શકે છે. ઇન્સ્ટાગ્રામ પર શરૂ થયેલી આ ઝુંબેશ જંતર-મંતરના ધરણાં સુધી પહોંચી અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ તેની ચર્ચા વધુ તીવ્ર બની ગઈ છે.
શું સો.મીડિયા બનશે પ્રભાવશાળી મંચ?
જોકે CJPનું કહેવું છે કે તેની લડાઈ હજુ પૂરી થઈ નથી. પાર્ટી હવે પરીક્ષા પદ્ધતિમાં સુધારો, યુવાનોને લગતા મુદ્દાઓ અને અન્ય માંગણીઓને લઈને આગળની વ્યૂહરચના પર કામ કરી રહી છે. તો બીજી તરફ, આ આખી ઘટનાએ એ સવાલ પણ ઊભો કરી દીધો છે કે શું આવનારા સમયમાં સોશિયલ મીડિયા ભારતીય રાજનીતિ અને જન આંદોલનોનું સૌથી પ્રભાવશાળી મંચ બની જશે?
વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો