આ ગંભીર વૈશ્વિક સ્વાસ્થ્ય સંકટને ધ્યાનમાં રાખીને ભારત સરકાર અને આફ્રિકન યુનિયને મોટો નિર્ણય લીધો છે.

ભારત-આફ્રિકા ફોરમ શિખર સમિટ

આગામી 28 મેથી દેશની રાજધાની નવી દિલ્હીમાં યોજાનારી પ્રતિષ્ઠિત ચોથી 'ભારત-આફ્રિકા ફોરમ શિખર સમિટ' ને હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવી છે. બંને પક્ષોએ સત્તાવાર સંયુક્ત નિવેદન જાહેર કરીને આ અંગેની માહિતી આપી છે. આ હાઈ-પ્રોફાઈલ સંમેલન માટે બંને દેશો લાંબા સમયથી તૈયારીઓ કરી રહ્યા હતા. પરંતુ ઇબોલાના વધતા જોખમે આયોજન પર પાણી ફેરવી દીધું છે.

હવે ક્યારે યોજાશે આ મહા-સંમેલન?

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, શિખર સંમેલનની નવી તારીખો અત્યારે નક્કી કરવામાં આવી નથી. ભારત સરકાર, આફ્રિકન યુનિયનના અધ્યક્ષ અને આફ્રિકન યુનિયન કમિશન વચ્ચે પરસ્પર ચર્ચા-વિચારણા બાદ આ નિર્ણય લેવાયો છે. બંને પક્ષો સહમત થયા છે કે વર્તમાન પરિસ્થિતિને જોતા આ આંતરરાષ્ટ્રીય સંમેલન આગામી સમયમાં યોગ્ય માહોલ વચ્ચે યોજવું જ હિતવહ રહેશે. ટૂંક સમયમાં નવી તારીખોની જાહેરાત કરવામાં આવશે.

શું ભારતમાં ઇબોલાનો ખતરો છે?

ભારતમાં હજુ સુધી ઇબોલા વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી. જોકે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા મધ્ય આફ્રિકામાં ઇબોલાના પ્રકોપને 'આંતરરાષ્ટ્રીય ચિંતાની હેલ્થ ઇમરજન્સી' જાહેર કરવામાં આવી છે. આથી ભારત સરકાર કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી. દેશભરના એરપોર્ટ અને બંદરો પર આફ્રિકન દેશોમાંથી આવતા મુસાફરો પર કડક નજર રાખવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એલર્ટ મોડ પર રહેવા આદેશ આપ્યો છે.

બંડીબુગ્યો વેરિઅન્ટ શું છે?

આરોગ્ય નિષ્ણાતોના મતે, ઇબોલા વાયરસના જુદા જુદા વેરિઅન્ટ હોય છે, જેની ઘાતકતા પણ અલગ-અલગ હોય છે. હાલમાં આફ્રિકામાં 'બંડીબુગ્યો વેરિઅન્ટ' ફેલાઈ રહ્યો છે. વર્ષ 2014થી 2016 દરમિયાન પશ્ચિમ આફ્રિકામાં તબાહી મચાવનાર 'ઝાયર સ્ટ્રેન' જેટલો આ વેરિઅન્ટ વારંવાર જોવા મળતો નથી, તેમ છતાં તે અત્યંત જોખમી છે. હાલમાં કોંગોમાં આ વેરિઅન્ટના કારણે સૌથી વધુ મોતો નોંધાઈ છે, જેના કારણે વૈશ્વિક સ્તરે ચિંતા વ્યાપી ગઈ છે.

આ પણ વાંચોઃ Nepal ભારતીય YouTubers અને Influencersને શા માટે આપી રહ્યું છે આમંત્રણ?, જાણો