કર્ણાટકના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ 2028ની વિધાનસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરતાં જણાવ્યું કે આજના સમયમાં રાજકારણ ખૂબ જ ભ્રષ્ટ બની ગયું છે અને પ્રામાણિક રાજકારણ માટે જગ્યા ઘટતી જઈ રહી છે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું કે ચૂંટણી નહીં લડે છતાં તેઓ સક્રિય રાજકારણમાં રહીને લોકોના સુખ-દુઃખમાં હંમેશા તેમની સાથે ઉભા રહેશે.

https://twitter.com/siddaramaiah/status/2081304664633671915

હવે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે

તેમણે જણાવ્યું કે વરુંણા મતવિસ્તારના લોકો ફરી એકવાર તેમને ચૂંટણી લડવા માટે આગ્રહ કરી રહ્યા છે, પરંતુ તેમણે હવે પછી કોઈપણ ચૂંટણી ન લડવાનો અંતિમ નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે અગાઉ જ્યારે તેઓ ચૂંટણી લડતા હતા, ત્યારે મતવિસ્તારના લોકોએ જ તેમને આર્થિક સહયોગ આપ્યો હતો અને જીત અપાવી હતી, પરંતુ હવે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે.

50 વર્ષની રાજકીય સફર બાદ ચૂંટણી ન લડવાની જાહેરાત

તેમણે પોતાની ઉંમર અને સ્વાસ્થ્યનો પણ ઉલ્લેખ કરતાં કહ્યું કે હાલમાં તેઓ 79 વર્ષના છે અને સરકારનો કાર્યકાળ પૂર્ણ થશે ત્યારે તેમની ઉંમર 81થી 82 વર્ષની થશે. અગાઉની જેમ ઊર્જા અને ઉત્સાહ સાથે સતત કામ કરવું હવે શક્ય નથી. તેમણે જણાવ્યું કે 2028 સુધીમાં તેમની રાજકીય સફરના 50 વર્ષ પૂર્ણ થશે. વર્ષ 1978માં તાલુકા બોર્ડના સભ્ય તરીકે તેમણે જાહેર જીવનની શરૂઆત કરી હતી. આ લાંબી કારકિર્દીમાં તેમણે જીત અને હાર બંનેનો અનુભવ કર્યો છે, પરંતુ પોતાના સિદ્ધાંતો અને અંતરાત્મા સાથે ક્યારેય સમાધાન કર્યું નથી.

આ બાબત લોકશાહી માટે ચિંતાજનક

તેમણે વધુમાં કહ્યું કે આજે ચૂંટણી જીતવા માટે મતદારોને પૈસા આપવાની સ્થિતિ સર્જાઈ છે, જે લોકશાહી માટે ચિંતાજનક છે. આ જ કારણસર તેમણે ચૂંટણી રાજકારણમાંથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. જોકે, જીવનના બાકીના વર્ષો પણ તેઓ સંપૂર્ણપણે જનસેવાને સમર્પિત રાખશે અને લોકોના પ્રશ્નો માટે સતત અવાજ ઉઠાવતા રહેશે.

આ પણ વાંચો : દેવેન્દ્ર ફડણવીસે અટકળોનો લાવ્યો અંત.. કહ્યું - 'મહારાષ્ટ્રમાં છું અને અહીં જ રહીશ'