રોહિત પવારે કહ્યું હતું કે, એક વિપક્ષી પક્ષ તરીકે, અમે સામાન્ય લોકો, ખેડૂતો, વિદ્યાર્થીઓ અને મજૂરોના મુદ્દાઓ ઉઠાવતા રહીશું.
શું શરદ પવારનો પક્ષ NDAમાં જોડાશે?
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી પ્રમુખ અને લોકસભા સાંસદ સુપ્રિયા સુલેએ એવી અફવાઓને ફગાવી દીધી હતી કે તેમના પક્ષના વરિષ્ઠ નેતા જયંત પાટિલ અને ભાજપના રાજ્યસભા સાંસદ વિનોદ તાવડે વચ્ચે કોઈ સોદો થઈ રહ્યો છે, જેના હેઠળ NCP-SP કેન્દ્રમાં તેમજ મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના ગઠબંધનને ટેકો આપશે. સુલેએ પત્રકારોને કહ્યું કે, મને પાટિલ અને તાવડે વચ્ચે આવી કોઈ બેઠકની કોઈ જાણકારી નથી. મને ફક્ત મીડિયાના લોકો પાસેથી જ આ વિશે ખબર પડી છે. તાવડે અને હું વારંવાર મળીએ છીએ.
સુપ્રિયા સુલેએ શું કહ્યુ ?
શરદ પવારને NDAને ટેકો આપવાની કે જોડાવાની કોઈ યોજના છે કે કેમ તે પૂછવામાં આવતા, તેમણે કહ્યું કે, હું છેલ્લા 12 વર્ષથી આવી ચર્ચાઓ સાંભળી રહી છું. મને પાટિલ અને તાવડે વચ્ચે આવી કોઈ મુલાકાત વિશે ખબર નથી. તાવડે અને હું ઘણી વખત મળ્યા છીએ, કારણ કે અમે બંને સંયુક્ત સંસદીય સમિતિમાં સેવા આપીએ છીએ. છેલ્લા મહિનામાં જ, અમે ઓછામાં ઓછા 21 વખત મળ્યા હશે. તેથી, હું ફક્ત અફવાઓ પર હસી રહી છું.
બહારથી NDAને ટેકો આપવાનો વિકલ્પ
શરદ પવાર જૂથના વરિષ્ઠ નેતા જયંત પાટીલે શુક્રવારે ભાજપના રાજ્યસભા સાંસદ વિનોદ તાવડે સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં શરદ પવારની પાર્ટી ભાજપની આગેવાની હેઠળના ગઠબંધનમાં જોડાય તો NCPને શું રાજકીય લાભ મળી શકે છે તેની ચર્ચા કરવામાં આવી હતી. શરદ પવારની NCP પાસે NDAમાં જોડાવાનો અથવા બહારથી ટેકો આપવાનો વિકલ્પ છે. આ બેઠકમાં સરકારમાં જોડાવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે શરદ પવારના NCP-SPને BJPના નેતૃત્વ હેઠળના ગઠબંધનમાં સામેલ કરવાના પ્રયાસો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના સ્તરે નહીં, પરંતુ કેન્દ્રીય સ્તરે થઈ રહ્યા છે.
મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો કેમ ?
જો શરદ પવારના નેતૃત્વ હેઠળના NCP-SP NDAમાં જોડાય છે. તો તેને કેન્દ્ર સરકારમાં એક કેબિનેટ મંત્રી પદ અને મહારાષ્ટ્ર સરકારમાં ત્રણ કેબિનેટ મંત્રી પદ મળવાની શક્યતા છે. મહારાષ્ટ્રમાં આ પોર્ટફોલિયોમાંથી એક નાણા મંત્રાલય હોઈ શકે છે, જે મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને હાલમાં તે પોતે મુખ્યમંત્રી ફડણવીસ પાસે છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી સુનેત્રા અજિત પવાર પહેલાથી જ નાણા મંત્રાલય પર પોતાનો દાવો રજૂ કરી ચૂક્યા છે, જે એક સમયે તેમના સ્વર્ગસ્થ પતિ અજિત પવાર પાસે હતું. નિષ્ણાતો માને છે કે નાણા મંત્રાલય કદાચ શરદ પવાર જૂથના નેતા જયંત પાટિલ માટે અનામત રાખવામાં આવી રહ્યું છે અને કદાચ આ જ કારણ છે કે આ વિભાગ અત્યાર સુધી નાયબ મુખ્યમંત્રી સુનેત્રા અજિત પવાર સહિત અન્ય કોઈ નેતાને સોંપવામાં આવ્યો નથી.
