જનસુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે 13 જુલાઈએ બિહારની બાંકીપુર બેઠક પરથી યોજાનારી પેટાચૂંટણી માટે પોતાનું નામાંકન દાખલ કર્યું છે. નામાંકન સાથે રજૂ કરાયેલા ચૂંટણી સોંગદનામામાં તેમની અને તેમની પત્નીની સંપત્તિ, આવક અને જવાબદારીઓની વિગતો જાહેર કરવામાં આવી છે.

7 કરોડ 36 લાખની છે ફિક્સ ડિપોઝિટ 

સોંગદનામા મુજબ, પ્રશાંત કિશોર પાસે રોકડ રૂપે 65, 570 રૂપિયા છે, જ્યારે તેમની પત્ની પાસે 1 લાખ 95 હજાર 200 રૂપિયાની રોકડ રકમ છે. તેમની ફિક્સ ડિપોઝિટમાં 7 કરોડ 36 લાખ 24 હજાર 202 રૂપિયા હોવાનું જણાવાયું છે. પ્રશાંત કિશોરની કુલ ચલ સંપત્તિ 22 કરોડ 19 લાખ 74 હજાર 976 રૂપિયા છે, જ્યારે તેમની પત્નીની ચલ સંપત્તિ 99 કરોડ 51 લાખ 67 હજાર 249 રૂપિયા હોવાનું જાહેર થયું છે. બીજી તરફ, પ્રશાંત કિશોર પર 5 કરોડ 77 લાખ 53 હજાર 765 રૂપિયાનું દેવું પણ છે.

પરિવાર પાસે કેટલી મિલકત?

અચલ સંપત્તિની વાત કરીએ તો પ્રશાંત કિશોર પાસે જમીન અને અન્ય મિલકત સહિત 23 કરોડ 70 લાખ 80 હજાર 256 રૂપિયાની સંપત્તિ છે. તેમની પત્નીના નામે 1 કરોડ 19 હજાર 270 રૂપિયાની અચલ સંપત્તિ નોંધાયેલી છે. સોંગદનામા મુજબ, પરિવાર પાસે સાત જગ્યાએ બિલ્ડિંગ અથવા મકાન છે.

પોતાની નથી કોઈ કાર 

પ્રશાંત કિશોરે નાણાકીય વર્ષ 2024-25માં 58 લાખ 45 હજાર 430 રૂપિયાની આવક દર્શાવી છે, જ્યારે તેમની પત્નીની આવક 40 લાખ 23 હજાર 800 રૂપિયા રહી છે. તેમણે વર્ષ 2024-25માં જનસુરાજ પાર્ટીને 10 કરોડ રૂપિયાનું દાન આપ્યું હોવાનું પણ જાહેર કર્યું છે. પ્રશાંત કિશોર પાસે પોતાની કોઈ કાર નથી. તેમની પાસે 1 લાખ 35 હજાર રૂપિયાની સોનાની વીંટી છે, જ્યારે તેમની પત્ની પાસે 64 લાખ 12 હજાર 500 રૂપિયાની સોનાની જ્વેલરી અને 46 હજાર રૂપિયાની ચાંદી છે.

1991માં દસમું ધોરણ પાસ કર્યું હતું

શૈક્ષણિક વિગતો મુજબ પ્રશાંત કિશોરે 1991માં દસમું ધોરણ પાસ કર્યું હતું, 1993માં પટનાના સાયન્સ કોલેજમાંથી બારમું પૂર્ણ કર્યું હતું અને 1996થી 1999 દરમિયાન લખનઉ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. તેમણે 2010માં ફ્રાન્સની એક યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી હતી. ચૂંટણી સોંગદનામા મુજબ પ્રશાંત કિશોર સામે કુલ આઠ કેસ નોંધાયેલા છે. બાંકીપુર પેટાચૂંટણીમાં તેમની એન્ટ્રી સાથે બિહારના રાજકીય માહોલમાં નવી ચર્ચા શરૂ થઈ છે.

આ પણ વાંચો : Sonam Wangchuk News: સોનમ વાંગચુક માટે પોલીસ સામે હાથ જોડી રડી પડ્યા અભિજીત દીપકે, જંતર-મંતર પર હાઈવોલ્ટેજ ડ્રામા