ઇરાને કહ્યુ છે કે, ભારત મુશ્કેલ સમયમાં ઈરાન સાથે ખભે ખભો મિલાવીને ઉભું રહ્યું છે.
વૈશ્વિક સ્તરે મજબૂત ઓળખ
ભારતનો પ્રભાવ સમગ્ર વિશ્વમાં ગુંજી રહ્યો છે. તો સાથે જ ભારતની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા ઘણા દેશોને અસર કરી રહી છે. તો આ તરફ, કેટલાક આપણી ઉદારતાના પ્રશંસક પણ બની રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિનના તાજેતરના નિવેદનો આ વાતને સમર્થન આપે છે. તો બીજી તરફ, ઈરાને પણ ભારતનો આભાર માન્યો છે. ઈરાને કહ્યું છે કે, કટોકટી દરમિયાન ભારત ઈરાન સાથે ઉભું રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, ત્રણેય દેશોના આ નિવેદનો થોડા કલાકોમાં એક પછી એક આવ્યા છે.
ઈરાની રાજદૂતની પ્રતિક્રિયા
ભારતીય નાગરિકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, સંકટના આ ગંભીર સમયમાં, જ્યારે આપણે આપણા મહાન નેતાઓના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા હતા. ત્યારે સમગ્ર દેશના લોકો આપણી સાથે ઉભા હતા. તેઓ આપણી સાથે ખભે ખભો મિલાવીને ઊંડી સંવેદના વ્યક્ત કરી રહ્યા હતા. ભારતના લોકો આગળ આવ્યા અને આપણા દુઃખમાં ભાગીદાર બન્યા હતા. આ માટે, અમે ભારતના લોકો પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.
પુતિને કેમ કરી પ્રશંસા ?
આ પહેલા, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ ભારતની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, અમેરિકા ભારત પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ ભારતે આવા તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે. કેટલીક વૈશ્વિક સમાચાર એજન્સીઓના વડાઓ સાથેની વાતચીતમાં, પુતિને ભારતના આર્થિક વિકાસ અને દેશની સ્વતંત્ર વિદેશ નીતિની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, રશિયા ભારત સાથે તેના આર્થિક સંબંધો વધારવા માટે પ્રતિબદ્ધ છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે સતત દબાણ
પુતિને વધુમાં જણાવ્યું કે, પશ્ચિમી દેશો ભારત પર રશિયા સાથેના સંબંધો મર્યાદિત કરવા માટે સતત દબાણ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, યુએસએ રશિયા સાથેના સહયોગ અંગે ભારત પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ બધા સમજી ગયા છે કે, પીએમ મોદી પર દબાણ આંતરરાષ્ટ્રીય સંબંધો અને દ્વિપક્ષીય સંબંધો માટે હાનિકારક છે. પુતિને વધુમાં કહ્યું કે, આ દબાણ ક્યાંથી આવી રહ્યું છે તેનાથી કોઈ ફરક પડતો નથી. અમને કોઈ નકારાત્મક પરિણામો દેખાતા નથી. અમે ભારત સાથે અમારા સંબંધોને મજબૂત બનાવી રહ્યા છીએ.
ટ્રમ્પ સોદા માટે ઉત્સુક
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, પીએમ મોદી તેમના સારા મિત્ર છે અને તેમને વિશ્વાસ છે કે, અમેરિકા અને ભારત વચ્ચે વેપાર કરાર થશે. ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે, અમે એક કરાર પર પહોંચીશું કારણ કે મને પીએમ મોદી ખૂબ ગમે છે. તેઓ મારા સારા મિત્ર છે. અમારા સંબંધો ખૂબ સારા છે, અને અમે એક કરાર પર પહોંચવા જઈ રહ્યા છીએ. આ અઠવાડિયાની શરૂઆતમાં એક યુએસ પ્રતિનિધિમંડળે ભારતની મુલાકાત લીધી હતી અને બંને દેશો વચ્ચે વચગાળાના દ્વિપક્ષીય કરાર પર ચાર દિવસની વાતચીત પૂર્ણ થઈ હતી.













