નવી દિલ્હીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા પાર્થ પવાર અને પ્રફુલ્લ પટેલે NCP (શરદ પવાર)ના પ્રમુખ શરદ પવાર સાથે મહત્વપૂર્ણ બેઠક કરી. આ મુલાકાત બાદ NCPના બંને જૂથો વચ્ચે ફરી એકવાર વિલય થવાની અટકળોએ જોર પકડ્યું છે. જોકે, શરદ પવારે આ તમામ અટકળોને ફગાવી દેતાં સ્પષ્ટ કહ્યું કે બંને પક્ષો ફરી એક થવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી.

રાજકીય વર્તુળોમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ

આ બેઠક એવા સમયે યોજાઈ છે જ્યારે થોડા દિવસો પહેલા જ શરદ પવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી હતી. બંને બેઠકોના એજન્ડા અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ રાજકીય વર્તુળોમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. અહેવાલો મુજબ છેલ્લા કેટલાક અઠવાડિયાથી શરદ પવારના નેતૃત્વ હેઠળની NCP (SP) અને અજિત પવારના નેતૃત્વ હેઠળની NCPને ફરી એક કરવા માટે પડદા પાછળ પ્રયાસો ચાલી રહ્યા છે. 

લોકશાહીમાં રાજકીય મતભેદ હોવા સ્વાભાવિક

કહેવાય છે કે કોઈપણ મોટા રાજકીય પુનર્ગઠન પહેલાં બંને જૂથોના સંભવિત વિલય અંગે ચર્ચા થઈ રહી છે. એવી પણ ચર્ચા છે કે ભાજપ અલગ-અલગ જૂથો સાથે વાતચીત કરવા કરતાં એક સંયુક્ત NCPને વધુ પ્રાધાન્ય આપી રહી છે. જોકે, આ અંગે કોઈપણ પક્ષે સત્તાવાર પુષ્ટિ કરી નથી. બીજી તરફ, મહારાષ્ટ્ર વિધાનસભામાં ડેપ્યુટી મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શરદ પવાર સાથેની મુલાકાતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે રાજકીય વિરોધીઓ દુશ્મન નથી હોતા. 

તેમણે જણાવ્યું કે શરદ પવાર વિધાનસભામાં આવ્યા હોવાની જાણ થતાં જ તેઓ શાલ અને શ્રીફળ લઈને તેમના સ્વાગત માટે પહોંચ્યા હતા. શિંદેએ કહ્યું કે લોકશાહીમાં રાજકીય મતભેદ હોવા સ્વાભાવિક છે, પરંતુ વ્યક્તિગત સંબંધો જાળવવા પણ એટલા જ મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો : Twisha Sharma Case : ગિરીબાલા અને સમર્થ સિંહની ન્યાયિક કસ્ટડી 11 ઓગસ્ટ સુધી લંબાઈ