તમિલગા વેત્રી કઝગમ (TVK) ને રવિવારે રાજ્યપાલ દ્વારા સરકાર રચવા અને શપથ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. TVK ને 108 ધારાસભ્યો સાથે કોંગ્રેસ, VCK, લેફ્ટ અને મુસ્લિમ લીગ (IUML) નું સમર્થન મળતાં કુલ સંખ્યા 121 MLA સુધી પહોંચી છે. 234 સભ્યોની વિધાનસભામાં બહુમતી માટે 118 આંકડો જરૂરી છે. હવે સૌની નજર TVK નેતૃત્વવાળી સરકાર અને કેબિનેટ મંત્રીઓ પર છે.

યુવાનોની ટીમ સાથે વિજય

TVKની જીત પાછળ યુવા મતદારો મોટુ ફેક્ટર રહ્યા હતા, અને પાર્ટીના અનેક ધારાસભ્યો પણ ખૂબ જ યુવા છે. 45 વર્ષની સરેરાશ ઉંમર ધરાવતી પાર્ટીમાં સૌથી યુવા MLA માત્ર 28 વર્ષના છે. પાર્ટીના 41 ધારાસભ્યોની ઉંમર 40 વર્ષથી ઓછી છે, જ્યારે માત્ર 10 ધારાસભ્યોની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ છે.

93 નેતાઓ પહેલીવાર બન્યા ધારાસભ્ય

નવી રાજકીય પાર્ટી હોવાને કારણે TVK એ ચૂંટણીમાં ઘણા નવા ચહેરાઓને તક આપી હતી. 107 ધારાસભ્યોમાં (વિજયની બીજી બેઠક સિવાય) 93 એવા છે જેઓ પહેલીવાર ચૂંટણી લડી અને જીત મેળવીને સીધા ધારાસભ્ય બન્યા છે. તેમાં પાર્ટી પ્રમુખ વિજય પોતે પણ સામેલ છે.

40 ધારાસભ્યો સામે ફોજદારી કેસ

એફિડેવિટના આંકડાઓ મુજબ 67 ધારાસભ્યો (63%) પાસે ગ્રેજ્યુએટ ડિગ્રી છે. વિજય તે 15 ધારાસભ્યોમાં સામેલ છે જેઓએ માત્ર 12મું ધોરણ સુધી અભ્યાસ કર્યો છે, જ્યારે 24 ધારાસભ્યો 10મું ધોરણ અથવા તેનાથી ઓછું ભણ્યા છે. 67 ધારાસભ્યો સામે કોઈ ફોજદારી કેસ નથી, જ્યારે 40 ધારાસભ્યો સામે ઓછામાં ઓછો એક ગુનાહિત કેસ પેન્ડિંગ છે.

ધારાસભ્યોનો વ્યવસાયિક અનુભવ

TVK ના ધારાસભ્યો ફિલ્મ અને મીડિયા થી લઈને મેડિસિન અને કાયદા જેવા વિવિધ ક્ષેત્રોમાં અનુભવ ધરાવે છે. 46 ધારાસભ્યોનો પોતાનો વ્યવસાય ચલાવવાનો બેકગ્રાઉન્ડ છે, જ્યારે 19 કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે જોડાયેલા રહ્યા છે. પાર્ટીમાં 9 ડોક્ટર અને 8 વકીલો પણ સામેલ છે, જ્યારે 7 ધારાસભ્યો ફિલ્મ અને મીડિયા ક્ષેત્રમાંથી આવ્યા છે.