પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને (ટીએમસી) વધુ એક રાજકીય ઝટકો લાગ્યો છે. ટીએમસીના રાજ્યસભાના સાંસદ અને ટોલીવૂડની લોકપ્રિય અભિનેત્રી કોયલ મલ્લિકે પોતાના રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણનને પત્ર લખીને રાજીનામું સ્વીકારવાની વિનંતી કરી છે તેમજ રાજ્યસભાના તમામ સભ્યો અને અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો છે. જોકે, તેમણે રાજીનામું આપવાનું કારણ જાહેર કર્યું નથી.

કેમ આપ્યું રાજીનામું?

કોયલ મલ્લિકનું મૂળ નામ રુક્મિણી મલ્લિક છે અને તેઓ બંગાળી ફિલ્મ ઉદ્યોગમાં "ટોલી-ક્વીન" તરીકે જાણીતા છે. તેમના રાજીનામા બાદ ટીએમસીમાંથી રાજ્યસભાના રાજીનામું આપનારા સાંસદોની સંખ્યા ચાર થઈ ગઈ છે. આ પહેલાં સુખેન્દુ શેખર રાય, સુષ્મિતા દેવ અને પ્રકાશ ચિક બરાઈક પણ રાજ્યસભા તેમજ પક્ષના પદોથી રાજીનામું આપી ચૂક્યા છે.

મમતા બેનર્જી માટે રાજકીય પડકાર

આ અગાઉ પણ કોયલ મલ્લિકના રાજીનામાની ચર્ચા થઈ હતી, પરંતુ તે સમયે સમાચાર ખોટા હોવાનું સામે આવ્યું હતું. તેમ છતાં રાજકીય વર્તુળોમાં તેમના રાજીનામાને લઈને અટકળો ચાલુ હતી, જે હવે સાચી સાબિત થઈ છે. ટીએમસી પાસે રાજ્યસભામાં અગાઉ 13 સભ્યો હતા, પરંતુ સતત ચાર રાજીનામા બાદ હવે પક્ષના સભ્યોની સંખ્યા 9 પર આવી ગઈ છે. આ ઘટનાને મુખ્યમંત્રી મમતા બેનર્જી માટે રાજકીય પડકાર તરીકે જોવામાં આવી રહી છે.

ભાજપમાં જોડાવાની અટકળો વધુ તેજ બની

આ દરમિયાન કોયલ મલ્લિકને રાજીનામા બાદ દિલ્હીમાં ભાજપના વરિષ્ઠ નેતા ભુપેન્દ્ર યાદવના નિવાસસ્થાને જોવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. જેના કારણે તેમના ભાજપમાં જોડાવાની અટકળો વધુ તેજ બની છે. જોકે, કોયલ મલ્લિક અથવા ભાજપ તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આગામી દિવસોમાં તેમના આગામી રાજકીય પગલાં પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો : 26/11 આતંકવાદી હુમલા બાદ લગાવ્યા હતા સુરક્ષા બેરિકેડ્સ, BMCએ તાજ હોટલ પાસે માગ્યા 22 કરોડ