પશ્ચિમ બંગાળની રાજનીતિમાં મોટો રાજકીય ફેરફાર સામે આવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી મદન મિત્રાએ પાર્ટીના બળવાખોર જૂથમાં જોડાવાની જાહેરાત કરી છે. આ બળવાખોર જૂથનું નેતૃત્વ વિપક્ષના નેતા ઋતબ્રત બેનર્જી કરી રહ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. મદન મિત્રાના આ નિર્ણયને મુખ્યમંત્રી મમતા બેનર્જી માટે મોટો રાજકીય ઝટકો માનવામાં આવી રહ્યો છે.
ટીએમસીની આંતરિક રાજનીતિમાં વધુ ઉથલપાથલ
મદન મિત્રા લાંબા સમયથી ટીએમસીના અનુભવી અને પ્રભાવશાળી નેતા તરીકે ઓળખાય છે. તેઓ રાજ્ય સરકારમાં મંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે અને પાર્ટીમાં તેમની મજબૂત પકડ રહી છે. તેઓ બળવાખોર જૂથમાં જોડાતા ટીએમસીની આંતરિક રાજનીતિમાં વધુ ઉથલપાથલ સર્જાય તેવી ચર્ચા છે. છેલ્લા કેટલાક સમયથી પાર્ટીમાં અસંતોષના અહેવાલો સામે આવી રહ્યા હતા, ત્યારે આ ઘટનાએ તે ચર્ચાઓને વધુ વેગ આપ્યો છે.
મંગળવારે રાત્રે મદન મિત્રા અચાનક એન્ટાલીના પૂર્વ ધારાસભ્ય સ્વર્ણકમલ સાહાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ત્યારથી જ તેમના પક્ષ બદલવાની અટકળો શરૂ થઈ હતી. સ્વર્ણકમલ સાહાના પુત્ર સંદીપન સાહા હાલ એન્ટાલીથી ધારાસભ્ય છે અને તેઓ ઋતબ્રત બેનર્જી ગૂટના મહત્વના નેતા માનવામાં આવે છે. બુધવારે બપોરે મદન મિત્રા પોતે કાર ચલાવી વિધાનસભા પહોંચ્યા હતા. ત્યાં ઋતબ્રત બેનર્જી સાથે મુલાકાત કર્યા બાદ તેમણે ટીીએમસી છોડવાની અને બળવાખોર જૂથમાં જોડાવાની જાહેરાત કરી હતી.
પશ્ચિમ બંગાળની રાજનીતિમાં નવી ચર્ચાઓ શરૂ થઈ
ઉલ્લેખનીય છે કે મદન મિત્રા નગર ભરતી કૌભાંડ મામલે તપાસ એજન્સીઓના રડારમાં છે. ગયા વર્ષે ઑક્ટોબરમાં સીબીઆઈએ તેમના નિવાસસ્થાને પાંચ કલાક સુધી દરોડા પાડ્યા હતા, જ્યારે આ વર્ષે જૂનમાં ઈડીએ પણ તેમના ભવાનીપુર અને કાલીઘાટ સહિત અનેક સ્થળોએ તપાસ હાથ ધરી હતી. તાજેતરમાં ઈડીએ તેમની પત્ની અને બંને પુત્રોને પણ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. આ તમામ ઘટનાઓ વચ્ચે મદન મિત્રાના રાજકીય નિર્ણયથી પશ્ચિમ બંગાળની રાજનીતિમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે.
આ પણ વાંચો : Noida: મમૂરા ગામે ઇ બાઇકમાં ચાર્જિંગ દરમિયાન સ્પાર્કિંગ થતા આગ ભભૂકી ઉઠી