પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે. બંને રાજ્યોમાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું અને સાંજ સુધી મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પશ્ચિમ બંગાળમાં કુલ 152 બેઠકો પર પ્રથમ તબક્કામાં મતદાન યોજાયું હતું. આ તબક્કામાં કુલ 1,478 ઉમેદવારોના ભાવિનો નિર્ણય મતદારો દ્વારા કરવામાં આવ્યો.



ચૂંટણી પંચે આપી જાણકારી

અહીં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કડક સ્પર્ધા જોવા મળી હતી. અનેક વિસ્તારોમાં મતદાન કેન્દ્રો બહાર લાંબી લાઈનો જોવા મળી અને ખાસ કરીને મહિલાઓમાં મતદાન માટે ભારે ઉત્સાહ નોંધાયો. બીજી તરફ તમિલનાડુની તમામ 234 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન યોજાયું હતું. અહીં ડીએમકેના નેતૃત્વવાળા ઈન્ડિયા ગઠબંધન અને એઆઈએડીએમકે-ભાજપના એનડીએ ગઠબંધન વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. રાજ્યમાં મતદાન પ્રક્રિયા સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રહી હોવાનું ચૂંટણી પંચે જણાવ્યું છે.

પશ્ચિમ બંગાળમાં કેટલીક જગ્યાએ થયું અથડામણ

સાંજના 6 વાગ્યા સુધીના આંકડા મુજબ તમિલનાડુમાં અંદાજે 84.41% મતદાન નોંધાયું, જ્યારે પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કામાં 91.46% જેટલું ઊંચું મતદાન થયું છે. જોકે પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં ચૂંટણી દરમિયાન તણાવની ઘટનાઓ પણ સામે આવી. મુર્શિદાબાદમાં ટીએમસી અને અન્ય જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, જ્યારે સિલિગુડીમાં ભાજપ અને ટીએમસી કાર્યકરો વચ્ચે ઝપાઝપીના અહેવાલો મળ્યા. કેટલાક સ્થળોએ ઉમેદવારો દ્વારા પોલિંગ એજન્ટોને દૂર કરવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. આ તરફ તમિલનાડુમાં મતદાન સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ રહ્યું અને અનેક જાણીતા નેતાઓ તથા સેલિબ્રિટીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં લોકોનો ઉત્સાહ સ્પષ્ટ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : Amit Shahએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું 'TMCનો ભ્રષ્ટાચાર-ગુંડાગીરીનો સૂરજ આથમી ગયો'



  • Follow us on: