દેશના સંસદીય ઈતિહાસમાં એક મોટી રાજકીય ઘટના ઘટી છે. લોકસભામાં રજૂ કરવામાં આવેલું 131મું બંધારણીય સુધારા વિધેયક બે-તૃતિયાંશ બહુમતી ન મળવાને કારણે પસાર થઈ શક્યું નથી. આ બિલની તરફેણમાં જરૂરી મતો ન પડતા તે 54 મતોથી ગબડી પડ્યું છે. આ બિલમાં સંસદની હાલની 543 બેઠકો વધારીને 850 કરવા અને તેને સીમાંકન સાથે જોડવાની જોગવાઈ હતી, જેનો વિપક્ષે લોકશાહી માળખા પર હુમલો ગણાવી સખત વિરોધ કર્યો હતો.


સત્તાપક્ષનો પ્રહાર: "નારી શક્તિનું અપમાન"

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ ઘટનાને મહિલાઓનું અપમાન ગણાવતા કોંગ્રેસ, TMC, DMK અને સપા પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, "મહિલાઓને 33% અનામત આપતા બિલને રોકવા બદલ વિપક્ષે 2029ની ચૂંટણીમાં મહિલાઓના આક્રોશનો સામનો કરવો પડશે." ભાજપનો આરોપ છે કે વિપક્ષે જાણીજોઈને નારી શક્તિ વંદન અધિનિયમમાં અવરોધ ઊભો કર્યો છે.

વિપક્ષનો વળતો પ્રહાર: "બંધારણ પર હુમલો રોક્યો"

બીજી તરફ, નેતા વિપક્ષ રાહુલ ગાંધીએ આ જીતને બંધારણની રક્ષા ગણાવી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ મુદ્દો માત્ર મહિલા અનામતનો નહોતો, પરંતુ સીમાંકન અને જનગણના દ્વારા રાજકીય લાભ ખાટવાનો હતો. પ્રિયંકા ગાંધી અને અખિલેશ યાદવે પણ સૂર પુરાવતા કહ્યું કે, જો સરકારની દાનત સાફ હોય તો શરતો વગર 543 બેઠકો પર જ અનામત લાગુ કરવી જોઈએ. વિપક્ષે આ બિલને 'મહિલા અનામત' નહીં પણ 'સીમાંકન બિલ' ગણાવીને ફગાવી દીધું છે. આ પરિણામ બાદ હવે આગામી દિવસોમાં દેશમાં રાજકીય ટકરાવ વધવાના એંધાણ છે.


આ પણ વાંચો---   Women Reservation Bill 2026: મહિલા અનામત બિલ લોકસભામાં ન થઇ શક્યુ પસાર

  • Follow us on: