કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવેલું મહિલા અનામત અને સીમાંકન સંબંધિત બંધારણીય સુધારા બિલ જરૂરી બે-તૃતિયાંશ બહુમતી ન મળવાને કારણે પસાર થઈ શક્યું નથી. આ ઐતિહાસિક બિલ પર બે દિવસ સુધી ચાલેલી ભારે ચર્ચા અને હોબાળા બાદ શુક્રવારે થયેલું મતદાન સરકાર માટે નિરાશાજનક રહ્યું હતું. બિલની તરફેણમાં 298 અને વિરોધમાં 230 મતો પડ્યા હતા, જેના કારણે સરકાર બહુમતીના આંકડાથી 54 મતો છેટી રહી ગઈ હતી.

નેરેટિવ સેટ કરવાનો ખેલ

વિધાનસભા ચૂંટણીઓ નજીક છે ત્યારે બંને પક્ષો પોતાને મહિલાઓના સાચા હિતેચ્છુ સાબિત કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે અગાઉથી જ વિપક્ષના વલણ સામે આડકતરો ઈશારો કરી દીધો હતો. બીજી તરફ, નેતા વિપક્ષ રાહુલ ગાંધીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેઓ કોઈપણ સંજોગોમાં આ બિલ પસાર થવા દેશે નહીં. રાહુલ ગાંધીએ 'જાદુગરની વાર્તા' કહીને સરકાર પર પ્રહારો કર્યા હતા, જેની સામે રાજનાથ સિંહ અને કિરેન રિજિજુએ ઉગ્ર વિરોધ નોંધાવી માફીની માંગ કરી હતી.

શનિવારથી ભાજપનું દેશવ્યાપી આંદોલન

બિલ ગબડ્યા બાદ હવે ભાજપ અને NDA આ મુદ્દાને પ્રજા વચ્ચે લઈ જવાની રણનીતિ બનાવી છે. ૧૮ એપ્રિલ, શનિવારથી ભાજપના કાર્યકરો દેશભરમાં 'ઈન્ડિયા ગઠબંધન'ના નેતાઓના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરશે. ભાજપનો આરોપ છે કે વિપક્ષે મહિલાઓના હક પર તરાપ મારી છે. હવે આ બિલ ભલે પડી ગયું હોય, પણ આગામી ચૂંટણીઓમાં આ મુદ્દો સૌથી મોટો ચૂંટણી પ્રચારનો મુદ્દો બની રહેશે તે નક્કી છે.


આ પણ વાંચો---    Women Reservation Bill 2026: મહિલા અનામત બિલ લોકસભામાં ન થઇ શક્યુ પસાર