ભારત અને યુકે વચ્ચે થયેલા મુક્ત વેપાર કરાર (FTA) ના અમલીકરણ બાદ ભારતીય બજારમાં આયાતી સ્કોચ વ્હિસ્કીના ભાવમાં પહેલીવાર મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ કરાર હેઠળ બ્રિટિશ વ્હિસ્કી પરનો આયાત ટેરિફ 150 ટકાથી ઘટાડીને 75 ટકા કરવામાં આવ્યો છે, જે આગામી 10 વર્ષમાં ઘટાડીને 40 ટકા સુધી લાવવામાં આવશે. ડિયાજિયો અને પેર્નોડ રિકાર્ડ જેવી દિગ્ગજ કંપનીઓએ આ કરારનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવાનું શરૂ કર્યું છે, જેના કારણે જોની વોકર બ્લેક લેબલ અને જે એન્ડ બી (J&B) જેવી લોકપ્રિય બ્રાન્ડ્સના ભાવમાં ૧૦ થી ૧૫ ટકા સુધીનો ઘટાડો થયો છે.
વ્હિસ્કીના ભાવ ઘટ્યા
ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગોવા અને ઉત્તર પ્રદેશ જેવા મુખ્ય રાજ્યોમાં આ નવા ઘટાડેલા ભાવો લાગુ પણ કરી દેવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે, ડિયાજિયોનું 750 મિલી જોની વોકર બ્લેક લેબલ જે અગાઉ આશરે 4250 રૂપિયામાં વેચાતું હતું, તે હવે ઘટીને આશરે 3800 રૂપિયા થઈ ગયું છે. તેવી જ રીતે, જે એન્ડ બી વ્હિસ્કીની કિંમત 2300 રૂપિયાથી ઘટીને આશરે 1700 રૂપિયા થઈ ગઈ છે. પેર્નોડ રિકાર્ડે પણ ચિવાસ, બેલેન્ટાઇન અને ધ ગ્લેનલિવેટ જેવી બ્રાન્ડ્સના ભાવ ઘટાડવા માટે રાજ્ય સરકારોને પ્રસ્તાવો મોકલી દીધા છે.
