આ ઘટનાએ એરપોર્ટની સુરક્ષા અને ઇમિગ્રેશન વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે. મામલો ત્રણ ઇટાલિયન મુસાફરો સાથે જોડાયેલો છે, જેઓ દિલ્હી પહોંચ્યા બાદ જરૂરી ઇમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના જ પોતાની આગળની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સુધી પહોંચી ગયા હતા. આ મામલે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એર ઇન્ડિયા પાસેથી જવાબ માંગ્યો છે.

ઘટના 4 સપ્ટેમ્બરની

આ ઘટના 4 સપ્ટેમ્બરની હોવાનું જાણવા મળે છે. ત્રણ ઇટાલિયન મુસાફરો એર ઇન્ડિયાની ફ્લાઇટ દ્વારા અમૃતસરથી દિલ્હી પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે દિલ્હીથી મ્યુનિક જતી લુફ્થાન્સાની ફ્લાઇટ પકડવાની હતી. નિયમ મુજબ દિલ્હી પહોંચ્યા બાદ આ મુસાફરોએ અરાઇવલ ઇમિગ્રેશન વિસ્તારમાં જઈને જરૂરી ઇમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની હતી.

પરંતુ રિપોર્ટ મુજબ આવું થયું નહોતું. મુસાફરોને અરાઇવલ ઇમિગ્રેશન વિસ્તારમાં લઈ જવાને બદલે આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ ત્યાંથી લુફ્થાન્સાની મ્યુનિક જતી ફ્લાઇટમાં સવાર થઈ ગયા હતા. આ સમગ્ર પ્રક્રિયાને લઈને હવે તપાસ શરૂ કરવામાં આવી છે.

એર ઇન્ડિયાને કારણદર્શક નોટિસ

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ ઘટનાને ગંભીરતાથી લેતા એર ઇન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી તેવોલ્ડે ગેબ્રેમારિયમને કારણદર્શક નોટિસ ફટકારી છે. એરલાઇન પાસેથી કુલ 9 મુદ્દાઓ પર લેખિત જવાબ માંગવામાં આવ્યો છે. જવાબ આપવા માટે 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે અને એર ઇન્ડિયાએ 19 સપ્ટેમ્બર સુધીમાં સ્પષ્ટતા કરવાની રહેશે કે તેની સામે કાર્યવાહી કેમ ન કરવામાં આવે.

નોટિસમાં મુસાફરોને સંભાળનારા અને તેમને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં સામેલ એર ઇન્ડિયા તથા SATSના કર્મચારીઓની ભૂમિકા અંગે પણ સવાલો કરવામાં આવ્યા છે. ખાસ કરીને ત્રણેય મુસાફરોને આંતરરાષ્ટ્રીયથી આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર રૂટ પરથી કેમ લઈ જવામાં આવ્યા તે તપાસનો મહત્વપૂર્ણ મુદ્દો છે.

મંત્રાલયે અમૃતસરમાં જ લુફ્થાન્સાની દિલ્હી-મ્યુનિક ફ્લાઇટનો આગળનો બોર્ડિંગ પાસ જારી કરવામાં આવ્યો હતો તે અંગે પણ સવાલ ઉઠાવ્યો છે. નોટિસ મુજબ હબ-એન્ડ-સ્પોક વ્યવસ્થામાં સ્પોક એરપોર્ટ પરથી આ પ્રકારનો બોર્ડિંગ પાસ જારી કરવાની મંજૂરી હોતી નથી.

શું છે હબ-એન્ડ-સ્પોક સિસ્ટમ?

હબ-એન્ડ-સ્પોક મોડેલમાં મુસાફરોને ચોક્કસ વ્યવસ્થા હેઠળ સ્પોક એરપોર્ટ પર જ ઇમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની સુવિધા મળી શકે છે. ત્યારબાદ હબ એરપોર્ટ પહોંચ્યા પછી તેઓ જરૂરી સુરક્ષા તપાસ પૂર્ણ કરીને પોતાની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પકડી શકે છે.

પરંતુ આ મામલે અમૃતસર-દિલ્હી અને દિલ્હી-મ્યુનિક ફ્લાઇટ્સ આ વ્યવસ્થા હેઠળ આવતી નહોતી. તેથી મુસાફરો માટે દિલ્હીમાં અરાઇવલ ઇમિગ્રેશનની નિર્ધારિત પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી હતી.

હવે મંત્રાલય સમગ્ર ઘટનામાં એરલાઇનના નોડલ અધિકારી, કર્મચારીઓ અને સુપરવાઇઝરી વ્યવસ્થાની ભૂમિકા અંગે જવાબ માંગી રહ્યું છે. એર ઇન્ડિયાએ હાલ આ મામલે કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી.

આ પણ વાંચો: Nepal Flood: નેપાળમાં પૂરથી વીજળી સંકટ, ભારત બન્યું મદદગાર રોજ 18 કલાક સુધી વીજળી આપશે