રાજધાની દિલ્હીના જંતર-મંતર ખાતે શનિવારે (3 ઓક્ટોબર) મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ યોજાયેલા વિરોધ પ્રદર્શન બાદ કથિત જાતીય સતામણીનો મામલો સામે આવ્યો છે. ત્રણ મહિલા પત્રકારોએ આ પ્રદર્શન દરમિયાન આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (ACP) પર સતામણીનો આરોપ મૂક્યો છે. એક મહિલા પત્રકારના જણાવ્યા અનુસાર, જ્યારે તેમણે પોલીસની કાર્યવાહીનો વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ કર્યું, ત્યારે એક પોલીસ અધિકારીએ તેમને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો અને ધક્કો મારીને દૂર કર્યા.
પોલીસ દ્વારા તાત્કાલિક કોઈ કાર્યવાહી નહીં
પત્રકારે જણાવ્યું હતું કે ત્યારબાદ તેઓ સંબંધિત પોલીસ સ્ટેશન ગયા અને કેસ નોંધવા માટે ફરિયાદ કરી; જોકે, પોલીસે તાત્કાલિક કોઈ કાર્યવાહી કરી ન હતી.

દિલ્હી પોલીસ દ્વારા તપાસ શરૂ
દિલ્હી પોલીસે આ મામલે પ્રતિક્રિયા આપી છે. દિલ્હી પોલીસે તેના સત્તાવાર 'X' (અગાઉનું ટ્વિટર) એકાઉન્ટ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, 3 ઓક્ટોબરે નવી દિલ્હી વિસ્તારમાં વિરોધ પ્રદર્શન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાની ફરજ બજાવતી વખતે પોલીસ અધિકારીઓ દ્વારા ત્રણ મહિલા પત્રકારોની જાતીય સતામણી કરવામાં આવી હોવાના આક્ષેપો થયા છે.
ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે
દિલ્હી પોલીસે માહિતી આપી હતી કે નવી દિલ્હી જિલ્લાને ફરિયાદો મળી હતી અને નિષ્પક્ષ તપાસ સુનિશ્ચિત કરવા માટે તેમને ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે. જોકે, અલગથી, પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ ત્રણ મહિલા પત્રકારો પ્રત્યે પોલીસના વર્તન અંગે "આઘાત અને નારાજગી" વ્યક્ત કરી છે.
આ પણ વાંચો: રાજ્યસભાની પેટાચૂંટણી માટે BJPના ઉમેદવાર મેદાને... ઉત્તરાખંડથી દિનેશ આર્ય તો બંગાળથી કોએલ મલિકને ટિકિટ