જમ્મુ કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં માર્ગ અકસ્માત સામે આવ્યો છે.સોનમર્ગથી શ્રીનગર જઈ રહેલી એક ટેમ્પો ટ્રાવેલરના ડ્રાઈવરે અચાનક કાબૂ ગુમાવતા 60 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી.આ દુર્ઘટનામાં ડ્રાઈવર સહિત કુલ 18 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાં ગુજરાતના અમદાવાદ અને સુરતના 8 પ્રવાસીઓ પણ સામેલ છે. તમામ ઈજાગ્રસ્તોમાંથી 6 લોકોની હાલત અત્યંત ગંભીર બતાવવામાં આવી રહી છે.
પોલીસે તુરંત જ બચાવ કામગીરી શરૂ કરી
ઘટના બનતા જ સ્થળ પર પહોંચેલા સ્થાનિક લોકો અને પોલીસે તુરંત જ બચાવ કામગીરી શરૂ કરી હતી. ઈમરજન્સી સેવાઓ દ્વારા એમ્બ્યુલન્સ મારફતે તમામ ઈજાગ્રસ્તોને પહેલા ગુંડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ અને વિશિષ્ટ સારવાર અર્થે તમામ 18 લોકોને શ્રીનગર સ્થિત શેર-એ-કશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ખાતે રિફર કરવામાં આવ્યા હતા.
