ભારત અને વિદેશની સંસ્થાઓ સાથે જોડાયેલા આશરે 80 વૈજ્ઞાનિકો અને સંશોધકોએ 23 ઓક્ટોબરે લખેલા ખુલ્લા પત્રમાં SIR રદ કરવાની, ખોટી રીતે દૂર કરાયેલાં પાત્ર મતદારોનાં નામ ફરી સામેલ કરવાની અને મતદાર યાદીમાં પારદર્શિતા વધારવાની માગ કરી છે.
ભારતીય ચૂંટણી પંચની SIR પ્રક્રિયા સામે CJP અને કોંગ્રેસ સહિત અનેક સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે. હવે ભારત અને વિદેશની સંસ્થાઓ સાથે જોડાયેલા આશરે 80 ભારતીય વૈજ્ઞાનિકોએ ચૂંટણી પંચને ખુલ્લો પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) રદ કરવાની માગ કરી છે. વૈજ્ઞાનિકોએ આ પ્રક્રિયાને મોટી સંખ્યામાં લોકોને તેમના મતદાનના અધિકારથી વંચિત રાખતી પ્રક્રિયા ગણાવી છે. તેમણે મતદાર યાદીની સુધારણા પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા, ખોટી રીતે દૂર કરાયેલા પાત્ર મતદારોનાં નામ ફરી સામેલ કરવા અને મનસ્વી રીતે મતદાનના અધિકાર છીનવી લેવાની સામે સુરક્ષાનાં પગલાં અમલમાં મૂકવાની માગ કરી છે.
અનેક સંસ્થાઓના વૈજ્ઞાનિકોએ પત્ર લખ્યો
પત્રમાં વૈજ્ઞાનિકોએ ચિંતા વ્યક્ત કરી છે કે SIR દ્વારા યોગ્ય પ્રક્રિયા અનુસર્યા વિના મોટી સંખ્યામાં નાગરિકોનાં નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યાં છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, આ પત્ર પર સહી કરનારા વૈજ્ઞાનિકોમાં IISER કોલકાતા, HBCSE-TIFR મુંબઈ, ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેથેમેટિકલ સાયન્સિસ ચેન્નઈ, ટેક્સાસ ટેક યુનિવર્સિટી (અમેરિકા), યુનિવર્સિટી ઑફ બર્મિંગહામ (યુકે), IISc બેંગલુરુ, IIT દિલ્હી, ન્યૂયોર્ક યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઑફ સ્ટુટગાર્ટ (જર્મની) જેવી સંસ્થાઓ સાથે જોડાયેલા વૈજ્ઞાનિકો સામેલ છે.
પત્રમાં વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કર્યું છે કે તેમણે વ્યક્તિગત રીતે આ નિવેદનનું સમર્થન કર્યું છે. આ તેમના પોતાના વિચારો છે અને તેમની સંસ્થાઓના વિચારો સાથે તેને કોઈ સંબંધ નથી.
સ્થળાંતરિત મજૂરોના નામ દૂર કરવા સામે સવાલ
વૈજ્ઞાનિકોએ સ્થળાંતરિત મજૂરો, વંચિત સમુદાયો અને નબળા વર્ગોના પાત્ર મતદારોનાં નામ યાદીમાંથી દૂર કરવાને 'મનસ્વી' અને 'અયોગ્ય' ગણાવ્યું છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે આવું પગલું લોકશાહી અધિકારોના પાયાને નુકસાન પહોંચાડે છે. તેમણે વધુમાં જણાવ્યું કે મતદાનનો અધિકાર લોકશાહીનો એક મૂળભૂત આધારસ્તંભ છે.
ભારતીય ચૂંટણી પંચ (ECI)ના તાજેતરના આંકડા દર્શાવે છે કે અત્યાર સુધી મતદાર યાદીમાંથી 13 કરોડથી વધુ મતદારોનાં નામ દૂર કરવામાં આવ્યાં છે.
પત્રમાં જણાવાયું છે કે કાયદા મુજબ કોઈ વ્યક્તિ દોષિત સાબિત ન થાય ત્યાં સુધી તેને નિર્દોષ માનવામાં આવે છે. એ જ રીતે, ચૂંટણી પ્રક્રિયામાં કોઈ પણ ફેરફારના આધારે નાગરિકોને તેમના મતદાનના અધિકારથી વંચિત રાખવાને યોગ્ય ઠેરવી શકાય નહીં. ખાસ કરીને ત્યારે, જ્યારે જટિલ પ્રક્રિયાઓ, પૂરતાં સુરક્ષાનાં પગલાંના અભાવ અથવા પોતાની પાત્રતા સાબિત કરવાની યોગ્ય તક ન મળવાને કારણે આવું કરવામાં આવ્યું હોય.