મહારાષ્ટ્રના રાજકારણમાં હાલ ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે અને તેનું કેન્દ્ર બન્યું છે કલ્યાણ-ડોંબિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન (KDMC). અહીં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા રાજકીય પરિસ્થિતિ વધુ રસપ્રદ બની ગઈ છે. આવી સ્થિતિમાં હવે ચર્ચા છે કે રાજ ઠાકરેની મનસે અને એકનાથ શિંદેની શિવસેના વચ્ચે ગઠબંધન થઈ શકે છે.

ચર્ચાઓ ચાલી રહી હોવાના અહેવાલો

છેલ્લા કેટલાક દિવસોથી મનસે અને શિંદે છાવણીના નેતાઓ વચ્ચે ચર્ચાઓ ચાલી રહી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. જોકે, બંને પક્ષોમાંથી કોઈએ પણ આ અંગે સત્તાવાર રીતે નિવેદન આપ્યું નથી. તેમ છતાં, બુધવાર 21 જાન્યુઆરીના રોજ બનેલી એક ઘટના બાદ આ ચર્ચાઓને વધુ બળ મળ્યું છે.

કમિશનરની કચેરીએ જૂથ નોંધણી માટે પહોંચ્યા

આ દિવસે મનસેના 5 કાઉન્સિલરો અને શિંદે સેનાના 53 કાઉન્સિલરો એકસાથે કોંકણ વિભાગીય કમિશનરની કચેરીએ જૂથ નોંધણી માટે પહોંચ્યા હતા. બંને પક્ષોના કાઉન્સિલરોનું એકસાથે આવવું માત્ર સંયોગ છે કે કોઈ મોટી રાજકીય યોજના, તે અંગે હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

ચૂંટણી જીતવા માટે કુલ 62 કાઉન્સિલરોનો ટેકો

KDMCમાં મેયરની ચૂંટણી જીતવા માટે કુલ 62 કાઉન્સિલરોનો ટેકો જરૂરી છે. હાલની સ્થિતિ જોવામાં આવે તો શિંદેની શિવસેનાને 53 કાઉન્સિલરોનો ટેકો છે, જ્યારે ભાજપ પાસે 50 કાઉન્સિલરો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શિંદે જૂથ ઠાકરે જૂથમાંથી પણ બે કાઉન્સિલરોને પોતાની તરફ ખેંચવાની કોશિશ કરી રહ્યું છે.

સરકાર રચાય તો મનસેમાં જ રહે તેવી શક્યતા

આ વચ્ચે, અગાઉ ઠાકરે જૂથમાંથી મનસેમાં પરત ફરેલા કાઉન્સિલરો પણ જો સરકાર રચાય તો મનસેમાં જ રહે તેવી શક્યતા છે. જેના કારણે મનસેના કાઉન્સિલરોની સંખ્યા 5થી વધીને સાત થઈ શકે છે. જો મનસેનો ટેકો શિંદે સેના ને મળે, તો મેયર પદ માટેનો રસ્તો લગભગ સરળ બની શકે છે. જ્યારે મનસે અને શિંદે સેનાના કાઉન્સિલરો કમિશનરની કચેરી પહોંચ્યા ત્યારે તેમણે શ્રીકાંત શિંદે, નરેશ મ્હસ્કે અને રાજુ પાટીલ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેને લઈને રાજકીય ચર્ચાઓ વધુ તેજ બની ગઈ છે.

સાંસદ શ્રીકાંત શિંદેનું નિવેદન

આ મુલાકાત બાદ સાંસદ શ્રીકાંત શિંદેએ નિવેદન આપ્યું હતું કે મનસે શિંદે સેનાને ટેકો આપે છે. તેમણે કહ્યું કે વિકાસના કામમાં જે પણ તેમની સાથે જોડાશે, તેને સાથે રાખવામાં આવશે. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે આવનારા દિવસોમાં મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.

આ પણ વાંચો : સ્પેસમાં 608 દિવસ ! જાણો Sunita Williamsની અંતરિક્ષ યાત્રાઓ