ઉત્તર પ્રદેશના મથુરામાં યમુના એક્સપ્રેસવે પર જઈ રહેલી એક બસમાં અચાનક ભીષણ આગ લાગી ગઈ. ઘટના સમયે બસમાં 40 મુસાફરો સવાર હતા. ડ્રાઈવરની સમયસૂચકતાને કારણે તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાયા, જેનાથી એક મોટી દુર્ઘટના ટળી ગઈ.

દિલ્હીથી એમપી જતી હતી બસ 

અહેવાલો અનુસાર, આ બસ દિલ્હીથી મધ્યપ્રદેશ જઈ રહી હતી. રાત્રે લગભગ 2 વાગ્યે, મથુરાના રાયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા યમુના એક્સપ્રેસવે પર માઈલસ્ટોન 110 નજીક બસમાં અચાનક આગ લાગી ગઈ. પ્રાથમિક અનુમાન મુજબ, શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોઈ શકે છે.

ડ્રાઈવરની સમયસૂચકતાએ મોટી દુર્ઘટના ટાળી 


આગ લાગતા જ ડ્રાઈવરે સમજદારીપૂર્વક કામ લીધું અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં મદદ કરી. બસમાં સવાર તમામ 40 મુસાફરો સુરક્ષિત છે અને કોઈ જાનહાનિના સમાચાર નથી.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ આગને કાબૂમાં લીધી અને તેને સંપૂર્ણપણે ઓલવી નાખી. ડ્રાઈવરની સતર્કતાને કારણે એક મોટી હોનારત ટળી ગઈ.

6 ઓક્ટોબરે પણ બસમાં લાગી હતી આગ 

લગભગ એક મહિના પહેલા, 6 ઓક્ટોબરે, ગ્રેટર નોઈડા-નોઈડા એક્સપ્રેસવે પર આવી જ એક ઘટના બની હતી. નોઈડાથી આગ્રા તરફ જઈ રહેલી એક સ્લીપર બસમાં અચાનક આગ લાગી ગઈ હતી. થોડી જ ક્ષણોમાં આખી બસ આગની લપેટમાં આવી ગઈ અને બળીને ખાખ થઈ ગઈ.

આ ઘટના ગ્રેટર નોઈડાના નોલેજ પાર્ક પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. સદભાગ્યે, તમામ મુસાફરોને સમયસર બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને કોઈ જાનહાનિ થઈ ન હતી. જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તે સમયે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું ન હતું. 

બસમાં આગ લાગતા 9ના મોત 

સપ્ટેમ્બરમાં બસમાં લાગેલી આગમાં 9 લોકોના મોત થયા હતા. આ અગાઉ, ૨૪ સપ્ટેમ્બરના રોજ યમુના એક્સપ્રેસવે પર ચાલુ સ્લીપર બસમાં ભીષણ આગ લાગી હતી, જેમાં ૯ મુસાફરોના મોત થયા હતા. આગ લાગતા જ અફરાતફરી મચી ગઈ હતી અને ઘણા મુસાફરો બસમાંથી કૂદીને પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા. પોલીસે આ ઘટનાના સંબંધમાં બસના ડ્રાઈવર અને કંડક્ટરને કસ્ટડીમાં લીધા છે.

બીજી તરફ 26 સપ્ટેમ્બરના રોજ ગ્રેટર નોઈડામાં રસ્તાની બાજુમાં પાર્ક કરેલી એક ખાનગી બસમાં પણ અચાનક આગ લાગી ગઈ હતી. તે સમયે બસમાં કોઈ ન હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે, આગમાં બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.