દેશની મોટી FMCG કંપની ITCને 'આશીર્વાદ શુદ્ધ ચક્કી આટા'ના પેકેટ પર '100%' લખવાના વિવાદમાં દિલ્હી હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા કંપનીનું લાઈસન્સ રદ કરવાની કાર્યવાહી અંગે ચેતવણી આપવામાં આવી હતી. જોકે, કોર્ટે આગામી સુનાવણી સુધી FSSAIને લાઈસન્સ રદ કરવા અંગે કોઈ અંતિમ નિર્ણય ન લેવાનો નિર્દેશ આપ્યો છે.
વિવાદ કેવી રીતે શરૂ થયો?
જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માની બેન્ચે મંગળવારે ITCની અરજી પર સુનાવણી કરી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે 9 સપ્ટેમ્બરે યોજાનારી આગામી સુનાવણી સુધી આ મામલે કોઈ અંતિમ કાર્યવાહી કરવામાં ન આવે. સાથે જ કોર્ટે FSSAI સહિત અન્ય પ્રતિવાદીઓને નોટિસ પાઠવીને તેમનો જવાબ માગ્યો છે. આ સમગ્ર વિવાદ FSSAIની 28 મેની એડવાઈઝરી બાદ શરૂ થયો હતો. તેમાં ફૂડ કંપનીઓને લેબલ, પેકેજિંગ અથવા જાહેરાતોમાં '100%' શબ્દનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવી હતી.
