મધ્યપ્રદેશના આગર માલવા જિલ્લામાં એક દુઃખદ અકસ્માત સર્જાયો છે. શનિવારે નલખેડામાં આવેલા મા બગલામુખી મંદિર નજીક, શ્રદ્ધાળુઓ ભરેલી એક કાર વરસાદી નાળાના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી. આ ઘટનામાં કારમાં સવાર આઠ લોકોના મોત થયા છે; મૃતકોમાં ત્રણ બાળકો, બે મહિલાઓ અને ત્રણ પુરુષોનો સમાવેશ થાય છે. તેમની ઓળખ હજુ સુધી થઈ શકી નથી.
આ શ્રદ્ધાળુઓ નલખેડામાં મા બગલામુખી મંદિરના દર્શન કરવા આવ્યા હતા. મંદિર નજીક આવેલા વરસાદી નાળાને પાર કરવાનો પ્રયાસ કરતી વખતે, તેમની કાર અચાનક પાણીના પ્રચંડ પ્રવાહની ઝપેટમાં આવી ગઈ હતી. ક્ષણભરમાં જ પ્રવાહ એટલો તેજ થઈ ગયો કે વાહન તણાઈ ગયું.
કાર તેજ પ્રવાહ સામે ટકી શકી નહીં
અહેવાલો અનુસાર, તાજેતરમાં થયેલા વરસાદને કારણે નાળામાં પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ હતો. ચાલકે નાળું પાર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ વહેતા પાણીમાં વાહનનું સંતુલન ખોરવાઈ ગયું અને તે તણાઈ ગયું. આ ઘટનાને પગલે આસપાસના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. અકસ્માતનો ભોગ બનેલી કાર મધ્યપ્રદેશના રજીસ્ટ્રેશન નંબર ધરાવે છે.
બચાવ ટુકડી ઘટનાસ્થળે પહોંચી
અકસ્માતના સમાચાર મળતા જ વહીવટી અધિકારીઓ અને બચાવ ટુકડી ઘટનાસ્થળે પહોંચી હતી. કાર અને તેમાં સવાર લોકોને શોધવા માટે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ટીમે નાળાની આસપાસના વિસ્તારોમાં પણ શોધખોળ કરી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે મૃતદેહો મળી આવ્યા છે અને હાલ તેમની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. તે તમામના પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. વહીવટીતંત્રે લોકોને નાળાની નજીક ન જવાની અપીલ કરી છે.
અકસ્માતના સમાચાર ફેલાતા જ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા, જેના કારણે અફરાતફરીનું વાતાવરણ સર્જાયું હતું. વહીવટીતંત્ર પરિસ્થિતિને કાબૂમાં લેવા અને રાહત તથા બચાવ કામગીરી વ્યવસ્થિત રીતે હાથ ધરવાના પ્રયાસો કરી રહ્યું છે.
આ પણ વાંચો: Greater Noida Hit and Run: સ્પીડમાં આવતી કારે 5 વિદ્યાર્થીઓને ફંગોળ્યા, અકસ્માત કરી કારચાલક ફરાર