દેશના કરોડો ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે PM કિસાન સન્માન નિધિ યોજનાના 23મા હપ્તાની સત્તાવાર તારીખ જાહેર કરી છે. યોજના હેઠળ 20 જૂન, 2026ના રોજ દેશભરના 9 કરોડથી વધુ ખેડૂતોના બેન્ક ખાતામાં સીધા 2,000 રૂપિયા જમા કરવામાં આવશે. જોકે, આ વખતે હપ્તાનો લાભ મેળવવા માટે ઈ-કેવાયસી (e-KYC) પૂર્ણ કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

https://twitter.com/pmkisanofficial/status/2066493594433999284


ખેડૂતોને ખેતી સંબંધિત ખર્ચમાં સહાયરૂપ થાય છે રકમ 

યોજનાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 23મો હપ્તો 20 જૂને ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. અગાઉ 22મો હપ્તો 13 માર્ચ, 2026ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. આ યોજના ખેડૂતોને ખેતી સંબંધિત ખર્ચમાં સહાયરૂપ બને અને તેમની આર્થિક સ્થિતિ મજબૂત થાય તે હેતુથી શરૂ કરવામાં આવી હતી.

2019માં શરૂ થઈ હતી યોજના 

પીએમ કિસાન યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર ચાર મહિને 2,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ રીતે વર્ષ દરમિયાન ત્રણ હપ્તામાં કુલ 6,000 રૂપિયા સીધા ખેડૂતોના બેન્ક ખાતામાં જમા થાય છે. આ રકમ બીજ, ખાતર, સિંચાઈ અને અન્ય કૃષિ જરૂરિયાતો પૂરી કરવામાં મદદરૂપ બને છે. વર્ષ 2019માં શરૂ કરાયેલી આ યોજના આજે દેશના કરોડો નાના અને સીમાંત ખેડૂતો માટે મહત્વપૂર્ણ આર્થિક આધાર બની છે.

આ ખેડૂતોને નહીં મળે રકમ

22મા હપ્તા દરમિયાન સરકારે 9.32 કરોડ ખેડૂતોના ખાતામાં કુલ 18,640 કરોડ રૂપિયાની સહાય જમા કરાવી હતી. સરકારનું કહેવું છે કે ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT) વ્યવસ્થાના કારણે સહાય સીધી લાભાર્થી સુધી પહોંચે છે અને વચેટિયાઓની ભૂમિકા સમાપ્ત થાય છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે જે ખેડૂતોની ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ નહીં હોય તેમને 23મા હપ્તાની રકમ મળશે નહીં. તેથી ખેડૂતોને 20 જૂન પહેલાં પોતાની ઈ-કેવાયસી ઓનલાઈન અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) મારફતે પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો : Char Dham Yatra 2026 : બદ્રીનાથ ધામમાં વર્ષ 2026માં આસ્થાનો નવો રેકોર્ડ, 11 લાખ ભક્તોએ કર્યા દર્શન