અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા પ્લેન ક્રેશ મામલે મૃતદેહની ઓળખ કરીને તેમના મૃતદેહને પરિજનોને સોંપવામાં આવ્યા હતા. આ ફ્લાઇટમાં વિદેશી નાગરિકો પણ હતા. જેમાંથી બ્રિટનના 2 પીડિત પરિવારે દાવો કર્યો છે કે તેઓને ખોટા મૃતદેહ મળ્યા છે. લંડનમાં ડીએનએ ટેસ્ટ બાદ પરિજનોને આ વાતની ખબર પડી હતી.
શું છે આરોપ ?
એક મીડિયા રિપોર્ટ મુજબ પીડિત પરિવારનો આક્ષેપ છે કે મૃતકોના ડીએનએ મેચ યોગ્ય રીતે કરાયા નથી જેથી ખોટા મૃતદેહ યુકે પહોંચ્યા છે. મળતી માહિતી મુજબ ઘણા વિદેશી નાગરિકોના અંતિમ સંસ્કાર ભારતમાં જ કરાયા હતા. ત્યારે આ મામલે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા જયસ્વાલનું નિવેદન સામે આવ્યપં છે.
શું કહે છે ભારતનું વિદેશમંત્રાલય ?
તેઓનું કહેવુ છે કે અમે બ્રિટિશ અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. અમદાવાદમાં થયેલી આ ઘટનામાં સંબંધિત અધિકારીઓએ પ્રોટોકોલ અને ટેકનિકલ જરૂરિયાતો મુજબ પીડિતોની ઓળખ કરી હતી. તમામ મૃતદેહને મૃતકની ગરિમાનું ધ્યાન રાખીને સંભાળવામાં આવ્યો. આ અંગે કોઇ પણ ચિંતાનું સમાધાન કરવા માટે અમે બ્રિટિશ પક્ષ સાથે મળીને કામ કરી રહ્યા છીએ.
મહત્વનું છે કે 12 જૂને થયેલા અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં કુલ 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાં 169 ભારતીયો હતા જયારે 53 બ્રિટિશ નાગરિક હતા. સાત પોર્ટુગીઝ નાગરિકો હતા અને એક કેનેડિયન નાગરિક હતો.










