હવામાનની આગાહીને વધુ સચોટ અને અસરકારક બનાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગ (ML) ના ઉપયોગને વેગ આપવા પર એક સમીક્ષા બેઠકમાં ભાર મૂકવામાં આવ્યો હતો. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અને ભારતીય હવામાન વિભાગ (IMD) પરંપરાગત સંખ્યાત્મક (numerical) હવામાન આગાહી મોડલ્સને સુધારવા માટે આ તકનીકોનો ઉપયોગ કરી રહ્યા છે. આ અંગે ચર્ચા કરતા, પૃથ્વી વિજ્ઞાન રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ભારતની વૈજ્ઞાનિક સિદ્ધિઓને સામાન્ય જનતા સમક્ષ સરળ અને આકર્ષક રીતે રજૂ કરવી જોઈએ.


'અર્થ સિસ્ટમ સાયન્સીસ કાઉન્સિલ' (Earth System Sciences Council) ની સમીક્ષા બેઠકમાં AI અને મશીન લર્નિંગના અસરકારક ઉપયોગના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો અને તેના વિવિધ ફાયદાઓ પણ જણાવવામાં આવ્યા હતા. ડૉ. સિંહે 'મિશન મૌસમ' અને 'અર્થ' (Earth) કાર્યક્રમો હેઠળ થયેલી વૈજ્ઞાનિક પ્રગતિની સમીક્ષા કરી હતી. જેમાં ભારતની આગાહી પ્રણાલીઓમાં સુધારા, વધુ સચોટ સંખ્યાત્મક હવામાન આગાહી અને વાતાવરણીય અવલોકન નેટવર્કનો વિસ્તાર જેવી બાબતોનો સમાવેશ થાય છે.


'મિશન મૌસમ' હેઠળ, IMD એ ઉત્તર પ્રદેશમાં એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે' હાઈ સ્પેશિયલ રિઝોલ્યુશન રેઈનફોલ ફોરકાસ્ટ' (HSRRF). આ પ્રોજેક્ટમાં AI-આધારિત 'ડાઉનસ્કેલિંગ' તકનીકોનો ઉપયોગ કરવામાં આવે છે, જેના દ્વારા 1 કિલોમીટરના અત્યંત સ્થાનિક સ્તરે વરસાદની સચોટ આગાહી કરી શકાય છે.


ચક્રવાતો (વાવાઝોડાં) પર સચોટ નજર

અદ્યતન તકનીકો અને સેટેલાઇટ-આધારિત AI સાધનોની મદદથી હવે ચક્રવાતોના માર્ગની 96 કલાક અગાઉથી સચોટ આગાહી કરી શકાય છે. આ કાર્યને સમર્થન આપવા માટે, દેશની ૨૨-પેટાફ્લોપ (22-petaflop) સુપરકમ્પ્યુટિંગ ક્ષમતામાંથી 10 ટકા હિસ્સો ખાસ કરીને AI સંશોધન માટે ફાળવવામાં આવ્યો છે.


IIT સાથે સહયોગ

IIT બોમ્બે દ્વારા વિકસાવવામાં આવેલું 'સ્પાડાનેટ' (SpadaNet) મોડલ, હવાઈ છબીઓ (aerial imagery) નું વિશ્લેષણ કરીને ચક્રવાતોને કારણે થયેલા નુકસાનનું સચોટ મૂલ્યાંકન કરવામાં મદદ કરી રહ્યું છે.


તેના ફાયદા શું છે?

આપત્તિ વ્યવસ્થાપન: તોફાન, ચક્રવાત અને ભારે વરસાદ જેવી ગંભીર હવામાન ઘટનાઓ અંગે સમયસર ચેતવણી મળવાથી આપત્તિ વ્યવસ્થાપન અને રાહત કામગીરીમાં સુધારો થશે. 

ખેડૂતો અને માછીમારો માટે લાભ: વરસાદ કે દુષ્કાળના સંકેતો ઘણા અઠવાડિયા અગાઉ મળી જવાથી ખેડૂતો પાકની વાવણી અને તેના રક્ષણ માટે વધુ સારી રીતે આયોજન કરી શકશે.

સબ-સીઝનલ (ઋતુ-આધારિત) આગાહી: MIT અને વૈશ્વિક સંશોધકો દ્વારા વિકસાવવામાં આવેલી એક AI તકનીક, હાલના મોડલ્સમાં રહેલી ક્ષતિઓને સુધારીને બે થી છ અઠવાડિયા અગાઉની આગાહી કરવાની ક્ષમતાને બમણી કરી રહી છે.



આ પણ વાંચો: Cold Wave: તેલંગાણામાં કડકડતી ઠંડીનો ચમકારો, હવામાન વિભાગે આપી ચેતવણી