સરકારી કચેરીઓથી લઈને ખાનગી કંપનીઓ સુધી આજે દરેક જગ્યાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો મોટા પાયે ઉપયોગ થઈ રહ્યો છે. અત્યાર સુધી AIની મદદથી ફોટા બનાવવામાં આવે છે, ઈમેઇલ લખવામાં આવે છે અને કોડિંગ પણ કરવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે હવે પોલીસ સ્ટેશનનું કામકાજ પણ AI સંભાળશે?
તેલંગાણાની રાજધાની હૈદરાબાદનું પંજાગુટ્ટા પોલીસ સ્ટેશન દેશનું પ્રથમ એવું પોલીસ સ્ટેશન બનવા જઈ રહ્યું છે, જે સંપૂર્ણપણે AI ટેક્નોલોજીથી સજ્જ હશે. તાજેતરમાં હૈદરાબાદના પોલીસ કમિશનર વી.સી. સજ્જનારે આ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં તેલંગાણાના DGP સી.વી. આનંદ પાયલટ પ્રોજેક્ટ તરીકે આ હાઈટેક સિસ્ટમની શરૂઆત કરશે.
તો ચાલો જાણીએ કે AI પોલીસ સ્ટેશનમાં FIR કેવી રીતે નોંધાશે અને પોલીસના કામકાજમાં શું ફેરફાર આવશે?
આ રીતે નોંધાશે FIR
મોટા શહેરોના પોલીસ સ્ટેશનોમાં સૌથી મોટો પડકાર ભાષાનો હોય છે. દેશના અલગ-અલગ ભાગોમાંથી લોકો નોકરી કે અભ્યાસ માટે મોટા શહેરોમાં આવે છે. ઘણી વખત સ્થાનિક ભાષાની જાણકારી ન હોવાને કારણે પીડિતો પોતાની ફરિયાદ યોગ્ય રીતે નોંધાવી શકતા નથી.
પંજાગુટ્ટા પોલીસ સ્ટેશનમાં આ સમસ્યા દૂર કરવા માટે રિસેપ્શન પર જ 'સેતુ' (SETU) નામનું સ્માર્ટ કિયોસ્ક લગાવવામાં આવ્યું છે. તેની મદદથી કોઈપણ વ્યક્તિ લગભગ 10 અલગ-અલગ ભાષાઓમાં પોતાની ફરિયાદ સરળતાથી નોંધાવી શકશે.
ફરિયાદી પોતાની ભાષામાં જે પણ માહિતી આપશે, પોલીસ સ્ટેશનની AI સિસ્ટમ તરત જ તેનું સ્થાનિક ભાષામાં ભાષાંતર કરીને સંબંધિત અધિકારીની સ્ક્રીન પર મોકલી દેશે. આનાથી ભાષાંતરમાં લાગતો સમય બચશે, માહિતીમાં ભૂલ થવાની શક્યતા ઘટશે અને પોલીસ વિલંબ વિના FIR નોંધીને તપાસ શરૂ કરી શકશે.
કેસ ડાયરીથી લઈને ચાર્જશીટ તૈયાર કરવામાં પણ મદદ કરશે AI
આ પોલીસ સ્ટેશનમાં AI માત્ર ફરિયાદ નોંધવાનું કામ જ નહીં કરે, પરંતુ પોલીસની તપાસ પ્રક્રિયામાં પણ મદદ કરશે.
પોલીસ સ્ટેશનમાં FIR નોંધાયા બાદ કેસ ડાયરી લખવી પડે છે, તપાસનો અહેવાલ તૈયાર કરવો પડે છે અને ચાર્જશીટ પણ દાખલ કરવાની હોય છે. આ તમામ કામગીરીમાં પોલીસ અધિકારીઓનો ઘણો સમય ખર્ચાય છે.
હવે નવી સિસ્ટમ હેઠળ આ કામોમાં પણ AI પોલીસ અધિકારીઓને મદદ કરશે. તેના કારણે દસ્તાવેજો તૈયાર કરવાની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બની શકે છે.
પેટ્રોલિંગ માટે આપશે સચોટ માહિતી
AI સિસ્ટમ વિસ્તારના જૂના ગુનાના રેકોર્ડ, ભીડવાળા વિસ્તારો, હોસ્ટેલ અને કોમર્શિયલ બિલ્ડિંગ્સના ડેટાનું પણ વિશ્લેષણ કરશે. આ માહિતીના આધારે AI નક્કી કરવામાં મદદ કરશે કે કયા સમયે અને કયા વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ ટીમ તહેનાત કરવાની સૌથી વધુ જરૂર છે.
આ ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ થઈ શકે તે માટે પોલીસ સ્ટેશનના કર્મચારીઓને વિશેષ તાલીમ પણ આપવામાં આવી રહી છે.
AIના ઉપયોગમાં ભારત દુનિયાના અગ્રણી દેશોમાં
આજે ભલે મોટા AI મોડલ તૈયાર કરવાની બાબતમાં અમેરિકા અને ચીન દુનિયાના અગ્રણી દેશોમાં સામેલ હોય, પરંતુ ગ્રાઉન્ડ લેવલે AI ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં ભારત પણ પાછળ નથી.
સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ગ્લોબલ AI વાઇબ્રન્સ રિપોર્ટ અનુસાર, AIના ઉપયોગની બાબતમાં ભારત સમગ્ર દુનિયામાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે.
અન્ય રાજ્યોમાં પણ શરૂ થઈ શકે છે આવા પોલીસ સ્ટેશન
હૈદરાબાદના પંજાગુટ્ટા પોલીસ સ્ટેશનનું AI મોડલ આ દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. જો આ પાયલટ પ્રોજેક્ટ સફળતાપૂર્વક કામ કરશે, તો આગામી સમયમાં દેશનાં અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારનાં AI સ્માર્ટ પોલીસ સ્ટેશન જોવા મળી શકે છે.
આ પણ વાંચો : https://sandesh.com/d