ભારતીય વાયુસેના (IAF) ના વડા (CAS) એર ચીફ માર્શલ એ.પી. સિંહે મંગળવારે HJT-16 કિરણ એમકે-1 ટ્રેનર એરક્રાફ્ટ ઉડાવીને ભારતીય વાયુસેનાના વિમાનમાં તેમની અંતિમ ફ્લાઇંગ સોર્ટી (ઉડાન) પૂર્ણ કરી હતી, જેની સાથે તેમની ઉડાન કારકિર્દીનો એક યાદગાર અધ્યાય પૂરો થયો છે.

55 મિનિટની ઉડાન બની યાદગાર

આ ઉડાન ખાસ રહી હતી કારણ કે એર ચીફ માર્શલે તેમના પહેલા ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર (પ્રશિક્ષક) વિંગ કમાન્ડર વી. એસ. કોચર સાથે મળીને 'U 707' ટેલ નંબર ધરાવતા વિમાનમાં ઉડાન ભરી હતી. આ પ્રસંગ પ્રશિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના એક ભાવનાત્મક પુનઃમિલન સમાન હતો, જેને પગલે એર ચીફ માર્શલે ભારતીય વાયુસેનામાં પોતાની ઉડાન યાત્રાની શરૂઆતની યાદો પણ વાગોળી હતી.

અંતિમ ઉડાનને સપનું સાકાર થવા સમાન ગણાવી

ઉડાન પૂર્ણ કર્યા બાદ પત્રકારો સાથે વાત કરતા એ.પી. સિંહે આ ક્ષણને એક સ્વપ્ન સાકાર થવા સમાન ગણાવી હતી. તેમણે યાદ કર્યું કે તેમની ઉડાન યાત્રા આ જ વિમાનથી શરૂ થઈ હતી અને તેમણે પોતાના પ્રથમ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર વિંગ કમાન્ડર વી. એસ. કોચર (નિવૃત્ત) પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, "આ ખરેખર એક સ્વપ્ન સાકાર થવા જેવું હતું. મેં આ જ વિમાનથી મારી ઉડાન કારકિર્દી શરૂ કરી હતી. મને લાગે છે કે હું એકમાત્ર એવો ચીફ હોઈશ જે નિવૃત્ત થઈ રહ્યો છે અને તેમ છતાં કારકિર્દીના પ્રારંભમાં જે વિમાન ઉડાવ્યું હતું તે હજુ પણ સેવા આપી રહ્યું છે."

સિંહે વધુમાં ઉમેર્યું, "તેથી, હું ખૂબ જ આભારી છું. હું મારા પ્રશિક્ષક વિંગ કમાન્ડર કોચર સરનો પણ ખૂબ જ આભારી છું, જેમણે મને શરૂઆતમાં આ જ જગ્યાએ ઉડતા શીખવ્યું હતું. હું મારી આ યાત્રાને પૂર્ણતાનું રૂપ આપવા માંગતો હતો. મેં 28 જાન્યુઆરી, 1984 ના રોજ આ જ જગ્યાએ તેમની સાથે કિરણ વિમાનમાં મારી પહેલી ઉડાન ભરી હતી. અને આજે, મેં ગણવેશમાં મારી અંતિમ ઉડાન તેમની સાથે જ આ જ કિરણ વિમાનમાં કરી છે."

વાયુસેનાના પાઇલટ્સને તૈયાર કરવામાં પ્રશિક્ષકોની મહત્ત્વની ભૂમિકા

એર ચીફ માર્શલે તેમની સર્વપ્રથમ ફ્લાઇંગ સોર્ટી ૨૮ જાન્યુઆરી, ૧૯૮૪ ના રોજ લીધી હતી. ચાર દાયકા કરતા વધુ સમય પછી, કિરણ વિમાનમાં થયેલી આજના દિવસની ઉડાને તેમની વાયુસેનાની ફ્લાઇંગ યાત્રાને પૂર્ણતા આપી છે, જે એક પાઇલટ, તેમના પ્રશિક્ષક અને વ્યાવસાયિક જીવનને ઘડતા આકાશ વચ્ચેના અતૂટ બંધનનું પ્રતીક છે.

આ પ્રસંગ ભારતીય વાયુસેનામાં ફ્લાઇંગ ટ્રેનિંગની સમૃદ્ધ પરંપરા અને વાયુ યોદ્ધાઓની પેઢીઓને તૈયાર કરવામાં ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટરો દ્વારા ભજવવામાં આવતી અમૂલ્ય ભૂમિકાને શ્રદ્ધાંજલિ સમાન હતો. આ પ્રશિક્ષકો એરક્રૂના સમગ્ર જીવન દરમિયાન માર્ગદર્શક બની રહે છે.

ભારતીય વાયુસેનાના પાઇલટ્સની તાલીમ માટે ઉપયોગમાં લેવાતા આઇકોનિક ટ્રેનર એરક્રાફ્ટ 'કિરણ' પર પાછા ફરવાથી આ અંતિમ ઉડાન વધુ મહત્ત્વની બની ગઇ હતી. વિંગ કમાન્ડર વી. એસ. કોચરની ઉપસ્થિતિએ, જેમણે એર ચીફ માર્શલને તેમના પ્રારંભિક ઉડાનના દિવસોમાં માર્ગદર્શન આપ્યું હતું, આ પ્રસંગને અત્યંત અર્થપૂર્ણ બનાવ્યો હતો.

આ સોર્ટી સાથે, એર ચીફ માર્શલે તેમની ઉડાન કારકિર્દીના એક વિશિષ્ટ અધ્યાયને પૂર્ણ કર્યો છે, જે તેમની સાથે જોડાયેલા અનુભવ, શિસ્ત અને પ્રતિબદ્ધતાને આગળ ધપાવે છે. હવે એર માર્શલ આશુતોષ દીક્ષિત 31 ઓક્ટોબરે તેમના અનુગામી તરીકે વાયુસેનાના વડા તરીકેનો કાર્યભાર સંભાળશે.