સૂર્યની અચાનક વધી ગયેલી સક્રિયતાએ ભારતના ઉડ્ડયન ક્ષેત્ર પર સીધી અસર કરી છે. 24 કલાકમાં સૂર્ય પરથી નીકળેલાં તીવ્ર રેડિયો તરંગો અને સોલાર રેડિયેશનના કારણે દેશની ફ્લાઇટ ઓપરેશન સિસ્ટમ પર અસર થઈ છે, જેના પરિણામે 200થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી, ડાયવર્ટ થઈ કે ટેક્નિકલ વિક્ષેપ જોવા મળ્યા. નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ પરિસ્થિતિ સૂર્ય પર સર્જાયેલા શક્તિશાળી સોલર ફ્લેરના કારણે ઊભી થઈ, જેણે GPS, સંચાર અને નેવિગેશન નેટવર્કમાં તાત્કાલિક અવરોધો ઊભા કર્યા.
સૌથી વધુ અસર દિવસ દરમ્યાન ઊંચી ઊંચાઈએ ઉડાન ભરતી ફ્લાઇટ્સ પર જોવા મળી
સૌથી વધુ અસર દિવસ દરમ્યાન ઊંચી ઊંચાઈએ ઉડાન ભરતી ફ્લાઇટ્સ પર જોવા મળી. એર ટ્રાફિક કન્ટ્રોલ (ATC)ને ઘણા વિસ્તારોમાં રેડિયો કનેક્શનમાં ઘટાડો નોંધાયો, જેને કારણે વિમાનોને વિકલ્પિક માર્ગોથી મોકલવા પડ્યા. દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ અને ચેન્નઈ એરપોર્ટ પર ફ્લાઇટ શેડ્યૂલમાં ખલેલ પડતાં હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
ઉડ્ડયન ક્ષેત્ર સૌથી વધુ સંવેદનશીલ બને છે
વિજ્ઞાનીઓ કહે છે કે સૂર્યમાંથી આવતી એક્સ-રે અને અલ્ટ્રાવાયોલેટ કિરણો ઉપરના વાતાવરણમાં આયનાઈઝેશન વધારે છે, જેના કારણે સેટેલાઈટ આધારિત સેવાઓ પર અસર પડે છે. આવી પરિસ્થિતિમાં ઉડ્ડયન ક્ષેત્ર સૌથી વધુ સંવેદનશીલ બને છે કારણ કે તે સંપૂર્ણપણે નેવિગેશન અને સંચાર ટેક્નોલોજી પર આધારિત છે.
DGCA એ એરલાઈન્સને એડવાઈઝરી જાહેર કરી છે
DGCA એ એરલાઈન્સને એડવાઈઝરી જાહેર કરી છે અને ફ્લાઇટ ક્રૂને સતર્ક રહેવા, વિકલ્પિક નેવિગેશન મોડનો ઉપયોગ કરવા અને મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપવા સૂચના આપી છે. હાલ પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે આવનારા દિવસોમાં સૂર્યક્રિયા વધુ વધી શકે છે, જેના કારણે આવા અવરોધો ફરી જોવા મળી શકે.
મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે એરપોર્ટ જવા પહેલાં પોતાની ફ્લાઇટની સ્થિતિ તપાસી લેવી જોઈએ અને એરલાઈન દ્વારા આપવામાં આવતા અપડેટ પર નજર રાખવી જોઈએ.
આ પણ વાંચો: Cyclone Ditwah-Senyar: ભારતના સમુદ્રમાં એક સાથે બે ચક્રવાત, કેટલો ખતરો શું છે ચેતવણી