છેલ્લા ઘણા સમયથી ફ્લાઇટની ઇમરજન્સી લેન્ડિંગના ઘણા બનાવો બને છે. તેમાં ક્યાંક કોઇ ધમકી હોય તો ક્યાંક ટેક્નિકલ ખામી હોય. પરંતુ પાયલટની લાપરવાહીને કારણે એક ગંભીર દુ્ર્ઘટના થતા થતા રહી ગઇ હતી. તેમાં એમ હતું કે પ્લેનમાં હાઇડ્રોલિક સિસ્ટમ ફેલ હતી. વળી તેમાં એ પણ ખુલાસો થયો હતો કે પાયલટ નશામાં હતો. આ મામલે હવે એર ઇન્ડિયાએ મોટી કાર્યવાહી કરી છે.
એર ઇન્ડિયાએ કરી મોટી કાર્યવાહી
ફુકેચ-દિલ્હી ફ્લાઇટ ઘટના અંગે AAIB ના પ્રારંભિક અહેવાલ પ્રકાશિત થયા બાદ એર ઇન્ડિયાએ મોટી કાર્યવાહી કરી છે. એરલાઇને ફ્લાઇટના પાઇલટ-ઇન-કમાન્ડને નોકરીમાંથી હટાવી દીધો છે. તપાસમાં સાઇકોએક્ટિવ ટેસ્ટમાં પાયલટ પોઝિટીવ આવ્યો હતો. એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે મુસાફરોની સલામતી તેની ટોચની પ્રાથમિકતા છે. એરલાઇન સલામતી, ફિટનેસ અને નિયમનકારી ધોરણોના ઉલ્લંઘન અંગે શૂન્ય-સહિષ્ણુતા નીતિ જાળવી રાખે છે.
ફુકેતથી દિલ્હી આવતી હતી ફ્લાઇટ
4 ઓગસ્ટ 2026ના રોજ એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-2379 ફૂકેટથી દિલ્હી આવી રહી હતી. આ ફ્લાઇટમાં Airbus A320neo વિમાન હતું. તેમાં 137 મુસાફરો હતા, જેમાં 3 બાળકો પણ સામેલ હતા. આ ઉપરાંત 6 કેબિન ક્રૂ અને 2 પાઇલટ પણ વિમાનમાં હતા.
ફ્લાઇટ લગભગ 36 હજાર ફૂટની ઊંચાઈએ ઉડી રહી હતી. તે દરમિયાન માત્ર થોડા જ સેકન્ડમાં વિમાનની ત્રણેય હાઇડ્રોલિક સિસ્ટમ એક પછી એક બંધ થઈ ગઈ. હાઇડ્રોલિક સિસ્ટમ વિમાનના મહત્વપૂર્ણ ભાગોને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. હાઇડ્રોલિક સિસ્ટમ ફેલ થયા બાદ વિમાનનું ઓટોપાઇલટ પણ બંધ થઈ ગયું. ત્યારબાદ લગભગ 2 સેકન્ડ સુધી સ્ટોલ વોર્નિંગનો અવાજ સંભળાયો.
આ દરમિયાન વિમાન પહેલા લગભગ 372 ફૂટ ઉપર ગયું અને ત્યારબાદ લગભગ 292 ફૂટ નીચે આવ્યું. તે સમયે સીટ બેલ્ટનું સિગ્નલ બંધ હતું. વિમાનમાં અચાનક આવેલા આ ફેરફારને કારણે 24 લોકોને ઈજા થઈ હતી. તેમાં 20 મુસાફરો અને 4 કેબિન ક્રૂ સામેલ હતા. 20 લોકોને શરૂઆતની સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. જ્યારે ગંભીર ઈજા પામેલા 4 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
શરૂઆતમાં એર ટર્બ્યુલન્સ કારણ જણાયુ
શરૂઆતમાં આ ઘટનાને ખરાબ હવામાન અને ટર્બ્યુલન્સ સાથે જોડવામાં આવી હતી. પરંતુ વિમાનમાં થયેલી ઈજા અને નુકસાનને ધ્યાનમાં રાખીને આ મામલાની અકસ્માત તરીકે તપાસ શરૂ કરવામાં આવી. AAIB એટલે કે Aircraft Accident Investigation Bureauએ હવે આ ઘટનાની પ્રારંભિક તપાસ રિપોર્ટ જાહેર કર્યો છે.
આ રિપોર્ટમાં વિમાનની ત્રણેય હાઇડ્રોલિક સિસ્ટમ ફેલ થવા અંગે મહત્વની માહિતી સામે આવી છે. આ ઉપરાંત બંને પાઇલટની ડ્રગ ટેસ્ટ રિપોર્ટને લઈને પણ મહત્વની વિગતો સામે આવી છે. હવે આ પ્રારંભિક રિપોર્ટના આધારે તપાસકર્તાઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે વિમાનની સિસ્ટમમાં એકસાથે આટલી મોટી ખામી કેવી રીતે સર્જાઈ અને તેના કારણે ફ્લાઇટ પર શું અસર પડી. પાઇલટ-ઇન-કમાન્ડ 34 વર્ષનો છે. AAIB રિપોર્ટમાં આ પરિણામને ગંભીર ચિંતાનો વિષય ગણાવવામાં આવ્યો છે અને DGCA ને પ્રાથમિકતાના ધોરણે પગલાં લેવાની ભલામણ કરવામાં આવી છે.
AAIB રિપોર્ટના પ્રકાશન પછી એર ઇન્ડિયાએ પાઇલટ સામે કાર્યવાહી કરી છે. એરલાઇને જણાવ્યું હતું કે તે સલામતી નિયમો, ફિટનેસ ધોરણો અને નિયમનકારી આવશ્યકતાઓના ઉલ્લંઘન અંગે શૂન્ય-સહિષ્ણુતા નીતિ જાળવી રાખે છે. પરિણામે, પાઇલટ-ઇન-કમાન્ડની નોકરી તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવી છે. એર ઇન્ડિયાએ એમ પણ જણાવ્યું હતું કે તે તપાસમાં સંપૂર્ણ સહકાર આપી રહી છે.
350 થી વધુ પાયલટ્સનું પરિક્ષણ
આ ઘટનાને પગલે, એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસે તેમના પાઇલટ્સ માટે ડ્રગ પરીક્ષણ શરૂ કર્યું છે. 17 ઓગસ્ટ સુધીમાં, લગભગ 350 પાયલટનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આમાંથી બે પાઇલટ્સના પ્રારંભિક પરીક્ષણોમાં નકારાત્મક પરિણામો આવ્યા હતા. જોકે, આ કેસ માટે પુષ્ટિકરણ પરીક્ષણો હજુ બાકી છે. હાલમાં, નિયમો અનુસાર એરલાઇન્સે તેમના 10 ટકા પાયલટ્સ પર રેન્ડમ ડ્રગ પરીક્ષણો કરાવવાની જરૂર છે. સરકાર હવે બધા પાઇલટ્સ માટે વાર્ષિક રેન્ડમ ડ્રગ પરીક્ષણ ફરજિયાત કરવાનું પણ વિચારી રહી છે.
પાયલટે નશો કર્યો એટલે આ ઘટના બની ?
અહીં એક મુદ્દો સ્પષ્ટપણે સમજવો મહત્વપૂર્ણ છે AAIB એ હજુ સુધી જણાવ્યું નથી કે આ ઘટના પાયલટના ડ્રગ પરીક્ષણના પરિણામને કારણે બની છે. વિમાનની ત્રણેય હાઇડ્રોલિક સિસ્ટમ્સ એક સાથે કેમ નિષ્ફળ ગઈ, ઓટોપાયલટ કેમ છૂટી ગયો અને વિમાનના અચાનક વર્ટિકલ ઓસિલેશનના મૂળ કારણોની તપાસ ચાલી રહી છે. હાલ પૂરતું, એ સ્પષ્ટ છે કે AAIB રિપોર્ટમાં પાઇલટ-ઇન-કમાન્ડ માટે નોન-નેગેટિવ ડ્રગ ટેસ્ટ પરિણામ જાહેર થયું છે, અને રિપોર્ટ બાદ, એર ઇન્ડિયાએ તાત્કાલિક અસરથી તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા છે.
