એક સમયે ખુબજ ચગેલો જ્યોતિ મૌર્ય કેસ ફરી એકવાર ચર્ચામાં છે. આલોક મૌર્યએ પ્રયાગરાજ ફેમિલી કોર્ટના નિર્ણયને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકાર્યો છે, જેમાં કોર્ટે તેમની પત્ની જ્યોતિ મૌર્ય પાસેથી ભરણપોષણ માંગતી અરજી ફગાવી દીધી હતી. હાઈકોર્ટે આલોકની ભરણપોષણ અરજી પર પીસીએસ અધિકારી જ્યોતિ મૌર્યને નોટિસ ફટકારી છે. હવે આ મામલાની સુનાવણી 8 ઓગસ્ટે થશે. દરમિયાન, પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે શું પતિ છૂટાછેડા પર પત્ની પાસેથી ભરણપોષણ માંગી શકે છે અને કાયદો આ વિશે શું કહે છે.
જ્યોતિ મૌર્યએ પ્રયાગરાજની ફેમિલી કોર્ટમાં આલોક પાસેથી છૂટાછેડા માટે અરજી દાખલ કરી છે, જે હજુ પણ પેન્ડિંગ છે. આ અરજીના પેન્ડિંગ દરમિયાન, આલોકે હિન્દુ લગ્ન અધિનિયમની કલમ 24 હેઠળ ભરણપોષણ માટે ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે 4 જાન્યુઆરી 2025 ના રોજ ફગાવી દીધી હતી. તેમણે ફેમિલી કોર્ટના આ નિર્ણય સામે હાઈકોર્ટ સમક્ષ પ્રથમ અપીલ દાખલ કરી છે.
કાયદો શું કહે છે
આલોક મૌર્ય દ્વારા હિન્દુ લગ્ન અધિનિયમ, 1955ની કલમ 24 હેઠળ, છૂટાછેડા અથવા અન્ય વૈવાહિક વિવાદો દરમિયાન, પતિ અથવા પત્ની બંનેમાંથી કોઈ એક ભરણપોષણ માંગી શકે છે, જો તે આર્થિક રીતે નબળો હોય અથવા પોતાનું ભરણપોષણ કરવામાં અસમર્થ હોય. આ જોગવાઈ બધાને લાગુ પડે છે, કારણ કે તે લિંગ-તટસ્થ જોગવાઈ છે, એટલે કે, પતિ પત્ની પાસેથી ભરણપોષણ પણ માગી શકે છે. જો તે સાબિત કરી શકે કે તેની આર્થિક સ્થિતિ નબળી છે અને પત્નીની આવક પૂરતી છે.
આગામી સુનાવણી 8 ઓગસ્ટે થશે
આલોકની અરજી પર સુનાવણી કરતા ન્યાયમૂર્તિ અરિંદમ સિન્હા અને યોગેન્દ્ર કુમારની ખંડપીઠે આગામી સુનાવણી 8 ઓગસ્ટે કરવાનું જણાવ્યુ છે. હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં આલોકે જણાવ્યું હતું કે તેમની અલગ થયેલી પત્ની જ્યોતિ મૌર્ય એક વહીવટી અધિકારી છે, જ્યારે તેઓ નાની સરકારી નોકરી ધરાવે છે અને ઘણી બીમારીઓથી પણ પીડાય છે. તેથી જ તેઓ તેમની (જ્યોતિ મૌર્ય) પાસેથી ભરણપોષણ મેળવવા માટે હકદાર છે.
હાઈકોર્ટે આલોકને ફેમિલી કોર્ટના નિર્ણયનો અંગ્રેજી અનુવાદ સબમિટ કરવાનો કર્યો નિર્દેશ
આલોકે 77 દિવસના વિલંબ સાથે પોતાની અપીલ દાખલ કરી હતી, જેના માટે તેમણે વિલંબ માફ કરવા માટે પણ અરજી કરી છે. આ સાથે, હાઈકોર્ટે આલોકને ફેમિલી કોર્ટના નિર્ણયનો અંગ્રેજી અનુવાદ સબમિટ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.