પવિત્ર અમરનાથ યાત્રા 2026 દરમિયાન એક અત્યંત દુઃખદ અને ચિંતાજનક ઘટના સામે આવી છે. શુક્રવારના રોજ જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-44) પર શ્રદ્ધાળુઓથી ભરેલી એક કાર ભયાનક અકસ્માતનો ભોગ બની હતી. ઉધમપુર જિલ્લાના સમરોલી વિસ્તારમાં આવેલા ટોલડી નાલા નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 5 યાત્રાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોમાં એક મહિલાની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું હોસ્પિટલના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

કાબૂ ગુમાવતા કાર દિવાલ સાથે ધડાકાભેર અથડાઇ

પ્રાપ્ત વિગતો અનુસાર, આ તમામ શ્રદ્ધાળુઓ જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી પવિત્ર ગુફા તરફ જવા માટે રવાના થયા હતા. તેઓ પહેલગામ જઈ રહેલા મુખ્ય જથ્થા (જૂથ) સાથે એક અર્ટિગા કારમાં મુસાફરી કરી રહ્યા હતા. જ્યારે તેમની કાર ઉધમપુર જિલ્લાના સમરોલી પાસે પહોંચી, ત્યારે અચાનક ચાલકે સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. કાબૂ બહાર ગયેલી ઝડપી કાર રાષ્ટ્રીય ધોરીમાર્ગની બાજુમાં આવેલી સુરક્ષા દીવાલ સાથે જોરદાર રીતે અથડાઈ પડી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે કારના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. અકસ્માતમાં ઘાયલ થયેલા યાત્રાળુઓ પૈકી સીમા ગુપ્તા નામના મહિલા શ્રદ્ધાળુને માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી છે, જેના કારણે તેમની સ્થિતિ હાલ ચિંતાજનક બનેલી છે.

ઘટનાની જાણ થતા તંત્ર તાત્કાલિક એક્શનમાં

દુર્ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોકે, સુરક્ષામાં તૈનાત સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ની 137 મી બટાલિયન, ગોરખા 4/3 ના જવાનો, સિવિલ ડિફેન્સની ટીમ, ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું. તમામ એજન્સીઓએ સંયુક્ત રીતે ત્વરિત બચાવ કામગીરી (Rescue Operation) હાથ ધરીને કારમાં ફસાયેલા તમામ પાંચ શ્રદ્ધાળુઓને હેમખેમ બહાર કાઢ્યા હતા. પ્રાથમિક સારવાર આપ્યા બાદ, તમામ ઘાયલોને તાત્કાલિક ધોરણે ઉધમપુરની સરકારી મેડિકલ કોલેજ સંલગ્ન એસોસિએટેડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા ગંભીર મહિલા સહિત તમામ ઈજાગ્રસ્તોની સઘન સારવાર કરવામાં આવી રહી છે. અન્ય ઘાયલોની ચોક્કસ સ્થિતિ અને અકસ્માતના સચોટ કારણો જાણવા માટે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

આ પણ વાંચોઃ Nashik Tcs Conversion Case: નાસિક ધર્માંતરણ કેસમાં નિદા ખાનને જામીન, કોર્ટે શ્રીકૃષ્ણના જન્મનો કેમ કર્યો ઉલ્લેખ?