કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ બે દિવસના પ્રવાસે અરુણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગર પહોંચ્યા છે. અહીં રવિવારે તેમણે જણાવ્યું હતું કે ચીનની સરહદને અડીને આવેલા 40 ગામોમાં વસ્તી વધી છે અને ત્યાંથી લોકોનું પલાયન અટક્યું છે.

કેન્દ્ર સરકારે આ ગામોમાં રોજગાર અને આરોગ્યની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હોવાથી આ પરિવર્તન આવ્યું છે. અરુણાચલ પ્રદેશમાં સહકારિતા સંમેલનને સંબોધિત કરતાં અમિત શાહે કહ્યું કે ગૃહ મંત્રાલયે ભારત-તિબેટ સરહદ પોલીસ (ITBP) અને સેનાને આ ગામોની સહકારી મંડળીઓ પાસેથી સ્થાનિક ઉપજ ખરીદવાનો નિર્દેશ આપ્યો છે. આ નિર્ણય બાદ ગામડાંઓ અને સશસ્ત્ર દળો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા છે.

આ દરમિયાન તેમણે અરુણાચલ પ્રદેશ પોલીસની મોટી સિદ્ધિ બદલ ખુશી વ્યક્ત કરી હતી અને સમગ્ર રાજ્યને અભિનંદન પાઠવ્યાં હતાં. અમિત શાહે જણાવ્યું કે તેઓ અહીં બે દિવસના પ્રવાસે આવ્યા છે અને એ ખુશીની વાત છે કે એક દિવસ પહેલાં જ અરુણાચલ પ્રદેશ પોલીસને પ્રતિષ્ઠિત 'પ્રેસિડેન્ટ્સ કલર' સન્માનથી નવાજવામાં આવી છે.

તેમણે આ સિદ્ધિને ઐતિહાસિક ગણાવી હતી. આ સન્માન મેળવનારી અરુણાચલ પ્રદેશ પોલીસ દેશનું 70મું પોલીસ દળ બની છે. ગૃહમંત્રીએ કહ્યું, "ગઈકાલે અમે અરુણાચલ પ્રદેશના સર્વાંગી વિકાસ સાથે જોડાયેલા તમામ પાસાઓની લગભગ સાડા ત્રણથી પોણા ચાર કલાક સુધી વિસ્તૃત સમીક્ષા કરી હતી.

ભવિષ્ય માટે રોડમેપ તૈયાર કર્યા છે અને અનેક નિર્ણયો લીધા છે. જ્યાં પણ ભારત સરકારના સહયોગની જરૂર પડશે, તે બાબતો કિરણ રિજિજુ અને મેં નોંધી લીધી છે. હું મુખ્યમંત્રી પેમા ખાંડુ અને નાયબ મુખ્યમંત્રીને ખાતરી આપવા માગું છું કે ભારત સરકાર કોઈપણ વિલંબ વિના અરુણાચલ પ્રદેશના સર્વાંગી વિકાસનો માર્ગ મોકળો કરશે."

રાજ્યનું બજેટ ત્રણ ગણું વધ્યું

'અરુણાચલ પ્રદેશ કોઓપરેટિવ વિઝન ડોક્યુમેન્ટ 2047'ના લોન્ચિંગ અને 'કોઓપરેટિવ એવોર્ડ્સ સમારોહ' દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશમાં પૂર્વોત્તરના પ્રવાસનને પ્રોત્સાહન આપનારા સૌથી મોટા પ્રચારક બની ગયા છે.

આ ઉપરાંત તેમણે આ વિસ્તારમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે પણ નક્કર પ્રયાસો કર્યા છે. કુદરતી સૌંદર્યનું જતન કરીને વિકાસ થાય તે દિશામાં કામ કરવામાં આવ્યું છે. તેના પરિણામો દરેક રાજ્યમાં જોવા મળી રહ્યા છે.

અમિત શાહે કહ્યું કે અમારી સરકાર સત્તામાં આવી તે પહેલાં અરુણાચલ પ્રદેશનું બજેટ 12,000 કરોડ રૂપિયા હતું, જે આજે વધીને 36,000 કરોડ રૂપિયા થયું છે. છેલ્લા 12 વર્ષમાં થયેલા વિકાસનો આ સ્પષ્ટ પુરાવો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે અરુણાચલ પ્રદેશની મહિલાઓ સહકારી મંડળીઓ દ્વારા ડેરી ઉત્પાદનો, ઈંડાં, શાકભાજી, જાડા અનાજ અને લોટ ઉપલબ્ધ કરાવી રહી છે. તેનાથી ગ્રામીણ પરિવારોની આર્થિક સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે, સ્થાનિક ખેતીમાં પરિવર્તન આવી રહ્યું છે અને ગામડાંઓ તથા સેના વચ્ચેના સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે.

રોજગાર, શિક્ષણ અને આરોગ્ય સરકારની પ્રાથમિકતા

અરુણાચલ પ્રદેશના વિકાસની રૂપરેખા રજૂ કરતાં અમિત શાહે રોજગાર, શિક્ષણ, આરોગ્ય સેવાઓ અને દરેક પરિવારની ખુશહાલીને સરકારની મુખ્ય પ્રાથમિકતાઓ ગણાવી હતી. તેમણે રાજ્યની ભાજપ સરકારને વિકાસકાર્યો માટે કેન્દ્ર તરફથી સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી પણ આપી હતી.

શાહે કહ્યું, "દરેક સહકારી સંસ્થા અને મહિલા સ્વસહાય જૂથોએ અરુણાચલ પ્રદેશને જરૂરી ખાદ્ય પેદાશોના મામલે આત્મનિર્ભર બનાવવાનો પડકાર સ્વીકારવો જોઈએ. રોજગાર, શિક્ષણ, આરોગ્ય સેવાઓ અને દરેક પરિવારની ખુશહાલી અરુણાચલ પ્રદેશની ચાર મુખ્ય પ્રાથમિકતાઓ હોવી જોઈએ."

આ પણ વાંચો:Vande Bharat ટ્રેનમાં મળી કાળી બેગ, ખોલતાં જ નીકળી ભારતીય અને વિદેશી કરન્સી! RPFની ટીમ દોડતી થઈ