ઉત્તરાખંડ રાજ્ય સ્થાપના દિવસના સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે 'મિશન ઉત્તરાખંડ'ની શરૂઆત કરી છે. આ પ્રસંગે દેહરાદૂનનું પરેડ ગ્રાઉન્ડ 'મોદી-મોદી'ના નારાથી ગુંજી ઊઠ્યું હતું. રાજ્ય સ્થાપના દિવસના મંચ પરથી અમિત શાહે ઉત્તરાખંડની વિકાસયાત્રાનાં વખાણ કરવાની સાથે રાજ્યમાં ભાજપના 'મિશન 2027'નો પણ પ્રારંભ કર્યો હતો.
લોકગાયક અને અભિનેતાનું સન્માન કરાયું
ગૃહમંત્રીએ રાજ્યની જનતાને સતત ત્રીજી વખત ભાજપની સરકાર બનાવવાનો સંકલ્પ અપાવ્યો હતો. સાથે જ આગામી ચૂંટણી માટે '65 પાર'નો લક્ષ્યાંક નક્કી કર્યો હતો. સમારોહ દરમિયાન ઉત્તરાખંડની 24 વર્ષની ગૌરવશાળી સફર પર આધારિત એક લઘુ ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી.
આ ખાસ પ્રસંગે લોકગાયક નરેન્દ્ર સિંહ નેગી અને અભિનેતા હેમંત પાંડેને 'લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહાર
અમિત શાહે પોતાના સંબોધનમાં વિપક્ષી પાર્ટી કોંગ્રેસ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયાનો ઉલ્લેખ કરતાં ગૃહમંત્રીએ જનમેદનીને સવાલ કર્યો હતો કે મતદાર યાદીમાંથી ગેરકાયદે ઘૂસણખોરોનાં નામ દૂર થવાં જોઈએ કે નહીં?
શાહે કહ્યું કે દેશ અને દેવભૂમિના ખૂણે-ખૂણેથી એક-એક ઘૂસણખોરને બહાર કાઢવામાં આવશે. જોકે, જ્યારે પણ ઘૂસણખોરો સામે કાર્યવાહી થાય છે ત્યારે રાહુલ ગાંધીના પેટમાં દુખાવો થવા લાગે છે. વિપક્ષના નેતા 'વોટ બચાવો' નહીં, પરંતુ 'ઘૂસણખોર બચાવો' યાત્રા કાઢી રહ્યા છે. રાહુલ ગાંધીનું આ ખોટું નેરેટિવ દેશની જનતા ક્યારેય સ્વીકારશે નહીં.
કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આરોપ
ગૃહમંત્રીએ કોંગ્રેસ પર તુષ્ટિકરણ અને રામમંદિરનો વિરોધ કરવાની જૂની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે આગામી ચૂંટણીમાં વિપક્ષ ભલે મુસ્લિમ યુનિવર્સિટીનો મુદ્દો ઉઠાવે, પરંતુ ધામી સરકાર દેવભૂમિમાં સરકારી જમીનો પર ગેરકાયદે મજારો અને મદરેસાઓના નામે થયેલાં દબાણો દૂર કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
'અટલજીએ ઉત્તરાખંડ બનાવ્યું, મોદીજી તેને સંવારી રહ્યા છે'
ઉત્તરાખંડ આંદોલનના શહીદો અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને યાદ કરતાં અમિત શાહે કહ્યું કે રામપુર તિરાહા કાંડ સહિત અનેક સંઘર્ષો બાદ પહાડી વિસ્તારના લોકોનું રાજ્ય બનાવવાનું સપનું ભાજપની અટલ સરકાર દ્વારા 9 નવેમ્બર, 2000ના રોજ સાકાર કરવામાં આવ્યું હતું.
તેમણે આરોપ લગાવ્યો કે ઇન્ડી ગઠબંધનમાં સામેલ પક્ષોએ ઉત્તરાખંડ રાજ્યની રચના અટકાવવા માટે નિઃશસ્ત્ર આંદોલનકારીઓ પર અત્યાચાર કર્યા હતા.
શાહે પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત પર પણ સવાલ ઉઠાવતાં પૂછ્યું હતું કે તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન એવું કયું ઐતિહાસિક કામ કર્યું, જેને જનતા યાદ રાખે? તેમણે કહ્યું કે કોંગ્રેસના શાસનમાં ઉત્તરાખંડની અર્થવ્યવસ્થા 'મનીઓર્ડર ઇકોનોમી' અને સ્થળાંતર પર નિર્ભર રહી ગઈ હતી. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના નેતૃત્વમાં પ્રવાસન, રોજગાર અને માળખાકીય સુવિધાઓમાં ઐતિહાસિક સુધારો થયો છે.
2047 સુધીમાં ભારતનું પ્રથમ સંપૂર્ણ વિકસિત રાજ્ય બનશે ઉત્તરાખંડ
સુરક્ષા અને સુશાસનનો રિપોર્ટ કાર્ડ રજૂ કરતાં અમિત શાહે કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઇક અને ઓપરેશન સિંદૂરથી દેશની સરહદો વધુ સુરક્ષિત બની છે.
UCC (સમાન નાગરિક સંહિતા)નો ઉલ્લેખ કરતાં તેમણે ગર્વ વ્યક્ત કર્યો હતો કે દેવભૂમિ ઉત્તરાખંડનું અનુસરણ કરીને આજે દેશનાં 15 રાજ્યો UCCની દિશામાં આગળ વધી રહ્યાં છે.
તેમણે ફરી સંકલ્પ વ્યક્ત કર્યો હતો કે વર્ષ 2047 સુધીમાં 'વિકસિત ભારત'ના લક્ષ્ય સાથે ઉત્તરાખંડ દેશનું પ્રથમ સંપૂર્ણ વિકસિત રાજ્ય બનીને ઊભરશે.
વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d