બિહારના મોકામામાં અનંત સિંહની દીકરી શિવાંગીના લગ્ન આ દિવસોમાં શાહી આયોજનની સાથે ત્યાં ઉમટી રહેલી ભીડને કારણે ચર્ચામાં છે. ઘોડાદોડ જોવા માટે હજારો લોકો પહોંચતાં રસ્તાઓ પર 10 કિલોમીટરથી વધુ લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.

હવે લગ્નના મહાભોજના વીડિયો અને તસવીરો પણ આયોજનની ભવ્યતાની સાથે ભોજન વ્યવસ્થાને લઈને સવાલો ઊભા કરી રહ્યાં છે. લગભગ 4 લાખ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરાઈ હતી.

જોકે, જ્યારે લોકો એકસાથે ભોજન લેવા પહોંચ્યા ત્યારે વ્યવસ્થા ખોરવાતી જોવા મળી હતી. સ્થિતિ એવી સર્જાઈ કે ક્યાંક લોકોને પ્લેટો હવામાં ઉછાળીને આપવી પડી તો ક્યાંક લોકો પોતાના હાથે જ વાસણોમાંથી ભોજન કાઢતા જોવા મળ્યા હતા.

લગ્નમાં મહેમાનો અને સ્થાનિક લોકોની મોટી ભીડ ઉમટવાની શક્યતા પહેલેથી જ હતી. આને ધ્યાનમાં રાખીને મોટા પાયે ભોજનની તૈયારી કરવામાં આવી હતી. મેદાનમાં કામચલાઉ રસોડું બનાવાયું હતું.

હલવાઈઓની અનેક ટીમો સતત કામ કરી રહી હતી. રસગુલ્લા સહિત અલગ-અલગ મીઠાઈઓ પણ મોટા પ્રમાણમાં તૈયાર કરાઈ હતી. જોકે, ભીડ પહોંચતાં આટલી મોટી વ્યવસ્થા સંભાળવી મુશ્કેલ બની ગઈ હતી.

પ્લેટો માટે પણ પડાપડી, હવામાં ઉછાળીને વહેંચવાની આવી નોબત

મહાભોજ દરમિયાન ભોજન વિતરણની સ્થિતિ સૌથી વધુ ચર્ચામાં છે. ભોજન લેવા માટે લોકોની ભીડ સતત વધતી ગઈ હતી. પરિણામે પ્લેટો વહેંચવા અને લોકોને વ્યવસ્થિત રીતે ભોજન પીરસવામાં મુશ્કેલીઓ ઊભી થઈ હતી.

ભીડનું દબાણ એટલું વધી ગયું કે અનેક સ્થળોએ વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. લોકોને પત્તલ પહોંચાડવા માટે તેને હવામાં ઉછાળીને આપવી પડી હતી. ભોજનની રાહ જોઈ રહેલા લોકો વચ્ચે પત્તલ મેળવવા માટે પડાપડી જેવી સ્થિતિ સર્જાઈ હતી.

કેટલાક લોકો જ્યાં જગ્યા મળી ત્યાં જ બેસીને ભોજન કરવા લાગ્યા હતા. કોઈએ જમીન પર જગ્યા શોધી તો કોઈએ ભીડ વચ્ચે જ ભોજન કરવાની વ્યવસ્થા કરી લીધી હતી.

https://www.instagram.com/reel/DgMYaiOnI1-/?utm_source=ig_web_copy_link&cnvx=NTc4MTIwNjQ2YQ==

કોઈએ હાથથી જ કાઢ્યું ભોજન, બેસાડવાની વ્યવસ્થા રહી ગઈ અધૂરી

મહાભોજ માટે ભોજન તૈયાર કરવા મોટા-મોટા વાસણો અને કડાઈનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રસોડામાં સતત વાનગીઓ તૈયાર થઈ રહી હતી, પરંતુ ભોજન લેવા માટે લોકોની ભીડ વધતાં વિતરણ વ્યવસ્થા પર દબાણ વધ્યું હતું.

કેટલાક લોકો પીરસવાની રાહ જોવાને બદલે પોતે જ વાસણોમાંથી ભોજન કાઢતા જોવા મળ્યા હતા. ક્યાંક લોકો હાથથી ભોજન કાઢી રહ્યા હોવાની તસવીરો સામે આવી તો ક્યાંક લોકો પોતાની અનુકૂળતા પ્રમાણે ભોજન લઈને બેસતા જોવા મળ્યા હતા.

જે આયોજનમાં મહેમાનોને વ્યવસ્થિત રીતે ભોજન કરાવવાની તૈયારી હતી, ત્યાં ભીડ સામે વ્યવસ્થા સંભાળવી પડકારરૂપ બની ગઈ હતી. જોકે, આટલા મોટા આયોજનમાં એકસાથે મોટી સંખ્યામાં લોકો પહોંચી જતાં ભોજન વિતરણને અસર થવી આયોજકો માટે પણ મુશ્કેલીરૂપ બની હતી.

ઘોડાદોડ જોવા એટલી ભીડ ઉમટી કે સ્પર્ધા જ અધવચ્ચે અટકાવવી પડી

અનંત સિંહની દીકરીના લગ્નમાં ઉમટેલી ભીડનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આસપાસના રસ્તાઓ પર 10 કિલોમીટરથી વધુ લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.

મોકામાના નદવા ગામમાં આયોજિત આ ઘોડાદોડ સ્પર્ધા જોવા માટે બિહારના અલગ-અલગ વિસ્તારો ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ લોકો પહોંચ્યા હતા. ઘોડાઓ વચ્ચેની સ્પર્ધા જોવા માટે એટલી ભીડ ઉમટી હતી કે મેદાનની આસપાસ પગ મૂકવાની જગ્યા પણ બચી નહોતી.

કેટલાક લોકો વધુ સારું દૃશ્ય જોવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને 33 હજાર વોલ્ટની હાઈટેન્શન વીજળી લાઇનના ટાવર પર ચઢી ગયા હતા. ટાવર પર ચઢેલા લોકોની તસવીરો પણ ચર્ચાનો વિષય બની હતી.

ભીડને નિયંત્રિત કરવામાં મુશ્કેલી ઊભી થતાં અનંત સિંહે ઘોડાદોડ સ્પર્ધા અધવચ્ચે જ અટકાવી દીધી હતી. હવે તેનો ફાઇનલ રાઉન્ડ ગુરુવારે યોજાવાનો છે. સ્પર્ધામાં વિજેતા ઘોડાના માલિકને ઇનામ તરીકે થાર ગાડી આપવામાં આવશે.

વરસાદ બાદ રાતોરાત તૈયારીઓ, છતાં ભીડે વધારી મુશ્કેલીઓ

આ સમગ્ર આયોજનની તૈયારીઓ કરવી પણ સરળ નહોતી. છેલ્લા ચાર દિવસથી પડી રહેલા વરસાદને કારણે મેદાન અને અન્ય વ્યવસ્થાઓ તૈયાર કરવામાં મુશ્કેલીઓ ઊભી થઈ હતી. તેમ છતાં અનંત સિંહ પોતાના સમર્થકો અને કાર્યકરો સાથે મોડી રાત સુધી તૈયારીઓમાં જોડાયેલા રહ્યા હતા.

મેદાનને વ્યવસ્થિત કરવામાં આવ્યું હતું, ઘોડાદોડ માટે જગ્યા તૈયાર કરવામાં આવી હતી અને હેલિપેડની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. લગ્નમાં આવનારા મહેમાનો અને દર્શકોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને ભોજનની વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી હતી.

આયોજકો દ્વારા લગભગ 4 લાખ લોકોના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ માટે મોટા પ્રમાણમાં ખાદ્ય સામગ્રી એકત્રિત કરવામાં આવી હતી અને રસોડામાં સતત વાનગીઓ તૈયાર કરવામાં આવી રહી હતી.

લગ્નમાં નેતાઓથી લઈને સામાન્ય લોકો સુધીનો જમાવડો

શિવાંગીના લગ્નમાં રાજકીય અને સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા અનેક જાણીતા ચહેરાઓ પણ પહોંચ્યા હતા. ઉત્તર પ્રદેશના પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ, બિહાર વિધાનસભાના અધ્યક્ષ પ્રેમ કુમાર અને બિહાર સરકારના મંત્રી રામકૃપાલ યાદવ સહિત અનેક મહાનુભાવોએ સમારોહમાં હાજરી આપી હતી.

વરરાજા ઋષિકેશ કુમારની જાન પટનાના બિહટા સ્થિત કૃષ્ણાનગરથી આવી હતી. જયમાલા દરમિયાન શિવાંગીએ લેન્ડ ક્રૂઝર કારમાં ભવ્ય એન્ટ્રી કરી હતી. અનંત સિંહ પોતે જાનૈયાઓનું સ્વાગત કરતા જોવા મળ્યા હતા.

શાહી લગ્ન, ઘોડાદોડમાં થાર ગાડીનું ઇનામ અને મહાભોજમાં લાખો લોકોના ભોજનની તૈયારીને કારણે આ લગ્ન પહેલેથી જ ચર્ચામાં હતાં. હવે ભોજન વ્યવસ્થાના વીડિયો અને તસવીરોને કારણે આ આયોજન ફરી ચર્ચામાં આવ્યું છે.

આ પણ વાંચો:પિતા ધર્મેન્દ્રની યાદમાં ભાવુક થઈ ઈશા દેઓલ, પિતાના વારસાને આગળ વધારવાનું આપ્યું વચન!