આંધ્રપ્રદેશના કોનાસીમા જિલ્લામાં ONGC પાઈપલાઈનમાંથી મોટાપાયે ગેસ લીકેજ થવાની ઘટના સામે આવી છે. મલિકીપુરમ વિભાગના ઈરુસ્મંડા નજીક આ મોટા ગેસ લીકેજથી નજીકના ગામો ધુમાડાની ઝપેટમાં આવી ગયા છે. લીકેજના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ છે, આગ લાગતાની સાથે જ ગ્રામજનોએ ONGCના અધિકારીઓને જાણ કરી. મોટાપાયે ગેસ લીકેજથી સ્થાનિક લોકો ગભરાઈ ગયા છે. જો કે સાવચેતીના ભાગરૂપે અધિકારીઓએ નજીકના ગામોને ખાલી કરાવ્યા છે.
https://twitter.com/ANI/status/2008109025171529926
મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ આપ્યા આ આદેશ
બીજી તરફ ગેસ પાઈપલાઈનમાં લીકેજને કારણે લાગેલી આગમાં મોટાભાગના નારિયેળના ઝાડ બળી ગયા છે. અધિકારીઓ પાસેથી માહિતી મળ્યા બાદ ONGCના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. અધિકારીઓનું કહેવું છે કે એક ખાનગી કંપનીએ 10 દિવસ પહેલા ગેસ ભંડાર પર કામ શરૂ કર્યું હતું. મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુને ગેસ દુર્ઘટનાની જાણ થઈ છે. તેમણે અધિકારીઓને રાહત કામગીરી ઝડપી બનાવવાનો આદેશ આપ્યો છે. તેમણે નજીકના રહેવાસીઓને તાત્કાલિક સલામત સ્થળોએ સ્થળાંતર કરવાની સલાહ આપી છે.
એક જોરદાર વિસ્ફોટ થતાં લોકોમાં ડરનો માહોલ
ONGC પાઈપલાઈનમાંથી મોટા પ્રમાણમાં ગેસ લીકેજ અને વિસ્ફોટ થતાં સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે. અહેવાલો અનુસાર, અકસ્માત સમયે ONGC કૂવામાં ટેકનિકલ સમારકામ ચાલી રહ્યું હતું. સદનસીબે, અત્યાર સુધી કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી. સૂત્રોના જણાવ્યા મુજબ સમારકામ પહેલાં કુવામાંથી ઉત્પાદન અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા દરમિયાન, એક જોરદાર વિસ્ફોટ થયો, જેના કારણે ગેસ અને ક્રૂડ ઓઈલ તીવ્ર દબાણ હેઠળ ફાટી નીકળ્યું.
હવામાં ગેસની તીવ્ર ગંધ ફેલાઈ ગઈ
થોડીવારમાં લીક થતા ગેસમાં આગ લાગી ગઈ અને કુવાની આસપાસ ઊંચી જ્વાળાઓ ફાટી નીકળી, જેના કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે. ગેસ લીકેજ અને આગને કારણે આસપાસના ગામોમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા. સમગ્ર વિસ્તારમાં વિઝિબિલિટી નોંધપાત્ર રીતે ઘટી ગઈ હતી અને હવામાં ગેસની તીવ્ર ગંધ ફેલાઈ ગઈ હતી. હાલમાં વહીવટીતંત્રે લાઉડસ્પીકર દ્વારા રહેવાસીઓને વિદ્યુત ઉપકરણો બંધ રાખવા, ગેસ સિલિન્ડરનો ઉપયોગ ટાળવા અને કોઈપણ ઈલેક્ટ્રોનિક ઉપકરણોથી દૂર રહેવા ચેતવણી આપી હતી.
આ પણ વાંચો: ICGS Samudra Pratap : કોસ્ટ ગાર્ડને મળ્યું પ્રદૂષણ કંટ્રોલ કરનારૂ 'સમુદ્ર પ્રતાપ'