આંધ્રપ્રદેશના પલનાડુ જિલ્લાની એક હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓની ચોટલી કાપી નાખવાની ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. શરૂઆતમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે મોડી રાત્રે કેટલાક અજાણ્યા લોકો શાળાની ગર્લ્સ હોસ્ટેલમાં ઘૂસી આવ્યા હતા અને વિદ્યાર્થિનીઓની ચોટલી કાપીને ફરાર થઈ ગયા હતા. જોકે, હવે શાળાનાં ઇન્ચાર્જે આ દાવાને ખોટો ગણાવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર, હોસ્ટેલમાં કોઈ બહારની વ્યક્તિ ઘૂસી નહોતી, પરંતુ શાળાની જ કેટલીક વિદ્યાર્થિનીઓએ મસ્તીમાં આ હરકત કરી હતી.

શાળાનાં ઇન્ચાર્જ રાજિની કુમારીએ મોડી રાત્રે બહારના લોકો શાળામાં ઘૂસ્યા હોવાના અને વિદ્યાર્થિનીઓના વાળ કાપ્યા હોવાના દાવાને ફગાવી દીધો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ ઘટનામાં કોઈ બહારની વ્યક્તિનો હાથ નથી. તેમના જણાવ્યા અનુસાર, આ શાળાની અંદર બનેલી ઘટના છે અને કેટલીક સાથી વિદ્યાર્થિનીઓએ મસ્તીમાં આવું કર્યું હતું.

હોસ્ટેલની સુરક્ષાને લઈને સવાલો

આ ઘટના આંધ્રપ્રદેશના પલનાડુ જિલ્લાના સત્તેનપલ્લી મંડળના રામકૃષ્ણપુરમ ગામમાં આવેલી એક ગુરુકુળ શાળાની છે. અહીં વિદ્યાર્થિનીઓની ચોટલી કાપી નાખવામાં આવી હોવાની વાત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. વાયરલ દાવામાં કહેવામાં આવ્યું હતું કે રાત્રે જ્યારે વિદ્યાર્થિનીઓ હોસ્ટેલમાં સૂતી હતી, ત્યારે કેટલાક અજાણ્યા લોકો અંદર ઘૂસી આવ્યા હતા અને તેમની ચોટલી કાપી નાખી હતી.

આ મામલો સામે આવ્યા બાદ હોસ્ટેલની સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા હતા. લોકોના મનમાં એવો સવાલ પણ ઊભો થયો હતો કે જો મોડી રાત્રે બહારના લોકો ગર્લ્સ હોસ્ટેલમાં ઘૂસી શકે છે, તો ત્યાં વિદ્યાર્થિનીઓની સુરક્ષા માટે કેવી વ્યવસ્થા કરવામાં આવી છે? જોકે, શાળાનાં ઇન્ચાર્જે આ તમામ દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા છે.

ઇન્ચાર્જે કહ્યું- બહારની કોઈ વ્યક્તિની સંડોવણી નથી

શાળાનાં ઇન્ચાર્જ રાજિની કુમારીએ જણાવ્યું કે આ ઘટના અંગે સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવતી માહિતી સાચી નથી. કોઈ અજાણી વ્યક્તિ શાળામાં ઘૂસીને વિદ્યાર્થિનીઓના વાળ કાપી ગઈ નથી. શાળાની જ કેટલીક વિદ્યાર્થિનીઓની શરારતને કારણે આ ઘટના બની હતી.

રાજિની કુમારીએ પૂરતી માહિતી મેળવ્યા વિના સોશિયલ મીડિયા પર ખોટી વાતો ફેલાવનારા લોકો સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમનું કહેવું છે કે આવી પોસ્ટથી શાળાની છબીને નુકસાન થઈ રહ્યું છે. એટલું જ નહીં, આવી ખોટી માહિતીથી વિદ્યાર્થિનીઓનાં માતા-પિતા પણ ચિંતિત થઈ શકે છે.

શાળાનાં ઇન્ચાર્જે દાવો કર્યો છે કે સોશિયલ મીડિયા પર ભ્રામક માહિતી ફેલાવનારા લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. તેમણે જણાવ્યું કે શિક્ષણ વિભાગ દ્વારા આવા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવશે અને તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.

તેમણે માતા-પિતાને અપીલ કરી છે કે તેઓ પોતાની દીકરીઓની સુરક્ષાને લઈને ચિંતા ન કરે. સાથે જ સામાન્ય લોકોને પણ અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થતી દરેક વાત પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરે. કોઈપણ સમાચારને આગળ મોકલતા પહેલાં તેની સત્યતા જરૂર તપાસે.