હરિયાણવી ગાયક અને યુટ્યુબર અંકિત બાલિયાનની ચકચારી હત્યા કેસમાં ઉત્તર પ્રદેશ પોલીસ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) ને મોટી સફળતા મળી છે. શામલી જિલ્લામાં પોલીસ સાથે થયેલા એન્કાઉન્ટરમાં આ હત્યા કેસના બે કુખ્યાત શૂટરો ઠાર થયા છે. મૃતકોની ઓળખ સુમિત અને મોહિત તરીકે થઈ છે, જે બંને પર ₹50,000 નું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું અને તેમનો સંબંધ કુખ્યાત ગોગી ગેંગ સાથે હોવાનું સામે આવ્યું છે.

20 ઓગસ્ટના રોજ અંકિતને બનાવ્યો હતો નિશાન

પોલીસ તપાસ મુજબ, અંકિત બાલિયાનની હત્યાનું આ પ્રકરણ ખૂબ જ આયોજનબદ્ધ રીતે રચવામાં આવ્યું હતું. આ ગુનામાં કુલ છ લોકોની સંડોવણી ખુલી છે, જેમાં ચાર મુખ્ય શૂટરો અને બે એવા વ્યક્તિઓ સામેલ છે જેમણે રેકી કરવા અને મદદ પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 20 ઓગસ્ટના રોજ શૂટરોએ અંકિતને નિશાન બનાવ્યો હતો. શામલીની સૂર્યા હોટલમાં રોકાયેલા આ શૂટરોએ દસ્તાવેજો નોંધાવ્યા હતા, જેના આધારે પોલીસ સીસીટીવી ફૂટેજ સુધી પહોંચી હતી.
https://twitter.com/ANI/status/2094233889439092962

આઠ વિશેષ ટીમો આ કેસની તપાસમાં જોતરાઇ

ઘટનાને અંજામ આપ્યા બાદ બે શૂટરો બાઇક પર કરનાલ તરફ ભાગ્યા હતા, જ્યારે મોહિત અને સુમિત બાગપત તરફ નાસી છૂટ્યા હતા. મેરઠ ઝોનના સાત જિલ્લાઓની આઠ વિશેષ ટીમો આ કેસની તપાસમાં જોડાઈ હતી. હરિયાણા અને દિલ્હીમાં સતત દરોડા પાડવામાં આવી રહ્યા હતા. દરમિયાન, પોલીસને બાતમી મળી કે મોહિત અને સુમિત કૈરાના રોડ પર ઇન્ડિયન ગેસ વેરહાઉસ પાસે છુપાયેલા છે.

પોલીસની જવાબી કાર્યવાહીમાં બંને શૂટર થયા ઠાર

પોલીસે જ્યારે તેમનો ઘેરાવ કર્યો ત્યારે આરોપીઓ તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. પોલીસની જવાબી કાર્યવાહીમાં બંને શૂટર ગંભીર રીતે ઘાયલ થયા અને હોસ્પિટલમાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આ અથડામણમાં એસડબ્લ્યુએટી (SWAT) ટીમના હેડ કોન્સ્ટેબલ હરવિંદર અને પ્રદીપ પણ ઘાયલ થયા છે.

ઘટનાસ્થળેથી પોલીસે બે પિસ્તોલ, જીવતા તથા ખાલી કારતૂસ, એક સ્પ્લેન્ડર બાઇક, એક બેગ, મોબાઈલ ફોન અને ₹5,000 રોકડા જપ્ત કર્યા છે. પોલીસ હવે આ કેસના બાકીના ફરાર આરોપીઓની સઘન શોધખોળ કરી રહી છે જેથી આ સમગ્ર અપરાધ પાછળના મુખ્ય કાવતરાંખોરોને કાયદાના કઠેરામાં લાવી શકાય.

આ પણ વાંચોઃ Nepal Flood : ટનલમાં ફસાયા છે ઘણા લોકો, રેસ્ક્યુ ઓપરેશન યથાવત