શ્રીનગર જઈ રહેલી બસ પર પથ્થરમારાની બીજી ઘટના સામે આવી છે. હરિયાણાના કરનાલમાં બસ પર હુમલો થયાના એક દિવસ બાદ હવે પંજાબના લુધિયાણા જિલ્લાના દોરાહા પાસે બસને નિશાન બનાવવામાં આવી છે. રવિવારે રાત્રે લગભગ 11 વાગ્યે થયેલા આ પથ્થરમારામાં બસની બારીનો કાચ તૂટી ગયો હતો. જોકે, આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી. ખાસ વાત એ છે કે બંને બસ એક જ ટ્રાન્સપોર્ટ કંપનીની હતી. પોલીસ હવે બંને ઘટનાઓ વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં તેની તપાસ કરી રહી છે. 

પંજાબમાં બસ પર ત્રણ પથ્થર ફેંકાયા

મળતી માહિતી મુજબ, દિલ્હીથી શ્રીનગર જઈ રહેલી બસ દોરાહા નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે કેટલાક અજાણ્યા લોકોએ તેના પર પથ્થર ફેંક્યા હતા. બસના ડ્રાઈવર ઇશ્ફાક અહમદ સોફીએ જણાવ્યું કે બસ પર ત્રણ પથ્થર ફેંકવામાં આવ્યા હતા. તે સમયે બસમાં લગભગ 35 મુસાફરો સવાર હતા, જેમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધો પણ સામેલ હતા. પથ્થર વાગતાં બસની એક બારીનો કાચ તૂટી ગયો હતો. ઘટનાથી મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો, પરંતુ કોઈને ઈજા થઈ નહોતી. 

પોલીસે બસને સુરક્ષિત રીતે આગળ મોકલી

ઘટનાની જાણ થતાં ખન્ના પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બસને સુરક્ષિત રીતે ખન્ના વિસ્તારની બહાર પહોંચાડવા માટે પોલીસ વાહન સાથે મોકલ્યું હતું. ત્યારબાદ બસે શ્રીનગર તરફની મુસાફરી ફરી શરૂ કરી હતી. પોલીસે આ મામલે દોરાહા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. આસપાસના ઢાબા, પેટ્રોલ પંપ અને ટોલ પ્લાઝાના CCTV ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે, જેથી પથ્થરમારો કરનારા લોકોની ઓળખ થઈ શકે. 

હરિયાણામાં પણ આવી જ ઘટના બની હતી

આ પહેલાં શનિવારે હરિયાણાના કરનાલ જિલ્લામાં શ્રીનગર જઈ રહેલી બીજી બસ પર પથ્થરમારો થયો હતો. તે ઘટનામાં બસના કાચ અને અન્ય ભાગોને નુકસાન થયું હતું. મુસાફરોને પણ ઈજા થઈ હતી. બસના ડ્રાઈવરે આરોપ લગાવ્યો હતો કે હુમલાખોરોએ તેને આતંકવાદી કહીને બસ હટાવવાનું કહ્યું હતું. જોકે, હરિયાણા પોલીસે પ્રાથમિક રીતે આ ઘટનાને પાર્કિંગને લઈને થયેલા વિવાદ સાથે જોડી હતી. આ મામલે બે લોકોને પકડવામાં આવ્યા હોવાના અહેવાલ છે. 

બંને ઘટનાઓ વચ્ચે કનેક્શન છે કે નહીં?

પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર, તાજેતરમાં પથ્થરમારાનો ભોગ બનેલી બસ અને કરનાલમાં નિશાન બનાવાયેલી બસ એક જ ટ્રાન્સપોર્ટ કંપનીની છે. આ કારણે પોલીસ બંને ઘટનાઓ વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં તેની તપાસ કરી રહી છે. હાલમાં પંજાબની ઘટનામાં હુમલાખોરોની ઓળખ અને પથ્થરમારા પાછળનું કારણ જાણવા તપાસ ચાલી રહી છે. બંને ઘટનાઓ એક જ કંપનીની બસ સાથે જોડાયેલી હોવાથી મુસાફરોની સુરક્ષાને લઈને પણ સવાલો ઊભા થયા છે. 

કાશ્મીરી મુસાફરોની સુરક્ષા પર સવાલ

જમ્મુ-કાશ્મીર સ્ટુડન્ટ્સ એસોસિએશનના રાષ્ટ્રીય સંયોજક નાસિર ખુએહામીએ પંજાબની ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે પંજાબના મુખ્યમંત્રી અને પોલીસ વડાને મામલાની નિષ્પક્ષ તપાસ કરાવવા, આરોપીઓની ઓળખ કરીને કાયદેસરની કાર્યવાહી કરવા અપીલ કરી છે. હરિયાણાની ઘટનાની પણ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ નિંદા કરી હતી અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી. હવે પંજાબમાં બનેલી બીજી ઘટના બાદ તપાસમાં શું સામે આવે છે તેના પર નજર રહેશે.

આ પણ વાંચો: IndiaMART: કપડાં,મોબાઇલ, કરિયાણાંની જેમ વેચાઇ રહ્યા હતા વિસ્ફોટક પદાર્થો, આ ઓનલાઇન શોપિંગ વેબસાઇટ સામે થઇ કાર્યવાહી