અરુણાચલ પ્રદેશમાં પ્રસ્તાવિત બહુહેતુક સિયાંગ પરિયોજનાના વિરોધમાં સ્થાનિક લોકો દ્વારા શુક્રવારે સવારથી 12 કલાક માટે સંપૂર્ણ બંધનું એલાન આપવામાં આવ્યું હતું.શુક્રવાર દરમિયાન સિયાંગ,અપર સિયાંગ, પૂર્વ સિયાંગ અને પશ્ચિમ સિયાંગ જિલ્લાઓમાં સવારથી સાંજ સુધી બંધની વ્યાપક અસર જોવા મળી હતી.દિવસ દરમિયાન કેટલાક સ્થળોએ આંદોલનકારીઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ સર્જાયું હતું.જેના પગલે સ્થિતિ પર કાબૂ મેળવવા પોલીસે ટીયરગેસના સેલ પણ છોડ્યા હતા.મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ હાથમાં ઘાતક હથિયારો અને પથ્થરો લઈને પાસીઘાટ ખાતે આવેલી એનએચપીસીની કચેરી તરફ કૂચ કરવા લાગ્યા હતા.આ દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષના ઘરમાં લૂંટફાટ પણ થઈ હતી. સરકારી કચેરીઓ અને પોલીસ સ્ટેશનમાં પણ તોડફોડ થઈ હતી. 

પથ્થરો ફેંક્યા હતા અને ધારદાર હથિયારોથી હુમલો કર્યો

અરૂણાચલમાં પાસીઘાટ ખાતે એનએચપીસી કાર્યાલય તરફ આગળ વધી રહેલા આ હિંસક ટોળાને અટકાવવા પોલીસે રસ્તામાં બેરિકેડિંગ કર્યું હતું.જોકે લોકોના ટોળાએ બેરિકેડ્સ તોડી નાખ્યા હતા અને પોલીસ વાહનોને નિશાન બનાવી તેમાં ભારે તોડફોડ કરી હતી.આ દરમિયાન પ્રદર્શનકારીઓએ સુરક્ષાકર્મીઓ પર ગુલેલથી પથ્થરો ફેંક્યા હતા અને ધારદાર હથિયારોથી હુમલો કર્યો હતો.જેના કારણે અનેક પોલીસ જવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.હિંસા પર ઉતરેલા ટોળાએ માત્ર સરકારી મિલકતો જ નહીં પરંતુ રાજકીય આગેવાનોના નિવાસસ્થાનો પર પણ હુમલા કર્યા હતા.જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય કાલિંગ મોયોંગ તેમજ પાસીઘાટ પશ્ચિમના ધારાસભ્ય નિનોંગ એરિંગના ઘરોમાં ઘૂસીને ભારે તોડફોડ કરવામાં આવી હતી.આ ઉપરાંત સ્થાનિક આદિ સમુદાયની સર્વોચ્ચ સંસ્થા આદિ બાને કેબાંગની કચેરીમાં પણ ઘૂસીને લોકોએ નુકસાન પહોંચાડ્યું હતું.

સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા કાર્યવાહી ચાલુ 

તોડફોડ મચાવ્યા બાદ બેકાબૂ ટોળાએ વધુ આક્રમક બનીને એક સ્થાનિક પોલીસ મથક અને રાષ્ટ્રીય જળવિદ્યુત નિગમ એટલે કે એનએચપીસીની કચેરીને આગ ચાંપી દીધી હતી.આગચંપી અને હિંસાના કારણે રાત્રિના સમયે ભારે અફરાતફરી સર્જાઈ હતી.સમગ્ર વિસ્તારમાં તણાવ વધતાં પોલીસ તંત્ર દ્વારા મોડી રાત્રે તાત્કાલિક વધારાની પોલીસ કુમક બોલાવવામાં આવી હતી.સુરક્ષા દળોએ કડક કાર્યવાહી હાથ ધરીને હંગામો કરી રહેલા પ્રદર્શનકારીઓને ત્યાંથી ખદેડી મૂક્યા હતા અને સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી.શનિવારે સમગ્ર ઘટના અંગે સત્તાવાર માહિતી આપતા ડીએસપી ટોની તાતાકે જણાવ્યું હતું કે,આ હિંસા તોડફોડ અને આગચંપીની ઘટનામાં થયેલા નુકસાનનું હાલ પોલીસ તંત્ર દ્વારા આકલન કરવામાં આવી રહ્યું છે અને સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા કાર્યવાહી ચાલુ છે.

આ પણ વાંચોઃ Gandhinagar News: તાલાલામાં બે દિવસમાં ભૂકંપના 6 આંચકા અનુભવાયા, આજે વહેલી સવારે પણ ધરતી ધ્રુજી