આસામમાં આજે મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી છે. નાગાંવ લોકસભાના સાંસદ પ્રદ્યુત બોરદોલોઈએ સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટી છોડી દીધી છે અને ભાજપમાં જોડાયા છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા અને આસામ ભાજપ પ્રમુખ દિલીપ સૈકિયાની હાજરીમાં બોરદોલોઈએ ઔપચારિક રીતે ભાજપનું સભ્યપદ સ્વીકાર્યું.
પ્રદ્યુત આસામ ભાજપને મજબૂત બનાવશે: સીએમ હિમંતા
નાગાંવ લોકસભાના સાંસદ પ્રદ્યુત બોરદોલોઈના ભાજપમાં જોડાવા પર આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ પ્રતિક્રિયા આપી છે. સીએમ હિમંતાએ કહ્યું કે નાગાંવના સાંસદ પ્રદ્યુત બોરદોલોઈ ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસ સાથે તેમનો ઇતિહાસ 1975નો છે. ભાજપમાં તેમના પ્રવેશથી પાર્ટી મજબૂત થશે. અમે બધા તેમનું પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ.
કોંગ્રેસમાં રહેવાનું કોઇ કારણ નથી-સીએમ હિમંતા
સીએમ હિમંતાએ ઉમેર્યું કે આસામ રાજ્ય ભાજપ એકમ કેન્દ્રીય નેતૃત્વને ભલામણ કરશે કે તેઓ વિધાનસભા ચૂંટણી લડે. જો કોઈ વ્યક્તિને લાગે કે, તેમના આત્મસન્માનને જાળવી રાખીને, કોંગ્રેસમાં રહેવાનું હવે કોઈ કારણ નથી, તો ત્યાં રહેવાનો કોઈ અર્થ નથી. અમારો ઉદ્દેશ્ય કોંગ્રેસમાં વધુ નેતાઓને લાવવાનો છે."
રાજીનામાના 24 કલાકમાં જ જોડાઇ ગયા ભાજપમાં
પ્રદ્યુત બોરદોલોઈએ ગઈકાલે જ કોંગ્રેસના તમામ પદો અને પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને એક લાઇનનો રાજીનામું પત્ર મોકલ્યો હતો. આજે, માત્ર 24 કલાક પછી, તેઓ ભાજપમાં જોડાયા.
હજી ઘણા કોંગી નેતાઓ છોડી શકે પાર્ટી
આસામ કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા અગ્રણી નેતાઓનો ટ્રેન્ડ અવિરત ચાલુ છે. પાર્ટીના ભૂતપૂર્વ રાજ્ય ઉપાધ્યક્ષ, નવજ્યોતિ તાલુકદારે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા નવજ્યોતિ તાલુકદારે કહ્યુ હું આજે આસામની યાત્રા કરીશ અને ભાજપમાં જોડાઈશ. અમારા સાંસદ પ્રદ્યુત બોરદોલોઈ પણ આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે. અમે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા સાથે ચર્ચા કરી ચૂક્યા છીએ.
તેમણે એવો પણ સંકેત આપ્યો કે પ્રદ્યુત બોરદોલોઈના ભાજપમાં પ્રવેશ બાદ, ઘણા અન્ય કોંગ્રેસ નેતાઓ પણ પાર્ટી છોડી શકે છે. નવજ્યોતિ તાલુકદાર લાંબા સમયથી આસામ કોંગ્રેસમાં એક વરિષ્ઠ નેતા રહ્યા છે. તેમણે રાજ્ય ઉપાધ્યક્ષ તરીકે પણ સેવા આપી છે.
આ પણ વાંચોઃ ભારતના કયા રાજ્યમાં તેલના સૌથી વધારે કૂવા ?