ચોમાસાની ઋતુ પૂર્ણ થતાં જ આસામના જંગલોમાં પર્યટનનો નવો તબક્કો શરૂ થઈ ગયો છે. વરસાદી સીઝન, મુશ્કેલ રસ્તાઓ અને વન્યજીવોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને છેલ્લા કેટલાક મહિનાઓથી બંધ રખાયેલા આસામના પ્રખ્યાત નેશનલ પાર્ક અને અભયારણ્યો હવે પ્રવાસીઓ માટે તબક્કાવાર ખોલવામાં આવી રહ્યા છે. ઓક્ટોબર મહિનાની શરૂઆત સાથે જ રાજ્યના વાઇલ્ડલાઇફ ટુરિઝમ સર્કિટમાં ફરી એકવાર ધમધમાટ જોવા મળી રહ્યો છે.

ગાંધી જયંતિથી જંગલોના દ્વાર ખુલ્યા
બક્સા અને ચિરાંગ જિલ્લામાં ફેલાયેલા પ્રખ્યાત માનસ નેશનલ પાર્કના દરવાજા 2 ઓક્ટોબરે પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. ત્યારબાદ તરત જ, 3 ઓક્ટોબરથી વિશ્વપ્રસિદ્ધ કાઝીરંગા નેશનલ પાર્કમાં પણ સફારી અને મુલાકાતીઓનું આગમન શરૂ થઈ ગયું છે. ગોલાઘાટ, નગાવ, બિસ્વાનાથ અને સોનિતપુર જિલ્લાઓ સુધી ફેલાયેલું કાઝીરંગા પાર્ક એકશિંગી ગેંડા માટે સમગ્ર વિશ્વમાં જાણીતું છે અને દર વર્ષે અહીં દેશ-વિદેશથી હજારો પ્રવાસીઓ ઉમટી પડે છે.

કાઝીરંગામાં પ્રવાસીઓનો ઘોડાપૂર
આસામના જંગલો તરફ પ્રવાસીઓના આકર્ષણમાં સતત વધારો થઈ રહ્યો છે. 2025-26ની ગત ટુરિઝમ સીઝનમાં કાઝીરંગા નેશનલ પાર્કમાં 4.68 લાખથી વધુ પર્યટકો પહોંચ્યા હતા, જે અગાઉના વર્ષના 4.06 લાખની સરખામણીએ નોંધપાત્ર વધારો દર્શાવે છે. આ 4.68 લાખથી વધુ પ્રવાસીઓમાં 4.37 લાખથી વધુ ભારતીય નાગરિકો હતા, જ્યારે 30 હજારથી વધુ વિદેશી સૈલાણીઓએ પણ કાઝીરંગાના જંગલોની મુલાકાત લીધી હતી.

માનસ નેશનલ પાર્કમાં પણ સૈલાણીઓ વધ્યા
માનસ નેશનલ પાર્કની વાત કરીએ તો ત્યાં પણ પ્રવાસીઓની અવરજવરમાં ઉત્સાહજનક વધારો જોવા મળ્યો છે. 2025-26ની સીઝન દરમિયાન માનસ પાર્કમાં કુલ 63,723 પ્રવાસીઓ આવ્યા હતા. જેમાં અંદાજે 59 હજાર ભારતીય અને લગભગ 5 હજાર વિદેશી પર્યટકો સામેલ હતા. હવે નવો પ્રવાસન સમયગાળો શરૂ થતાં જ સફારી પ્રવૃત્તિઓ ધમધમવા લાગી છે, જેનાથી આગામી મહિનાઓમાં આ આંકડો વધુ ઊંચે જવાની આશા છે.

13 ઓક્ટોબરથી આસામનું વાઇલ્ડલાઇફ સર્કિટ પૂર્ણ થશે
આસામના વાઇલ્ડલાઇફ સર્કિટનો મહત્વનો ભાગ ગણાતું પોબિતોરા વન્યજીવ અભયારણ્ય 13 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે. મોરીગાવ જિલ્લામાં આવેલ પોબિતોરા અભયારણ્યમાં ગત સીઝનમાં ૩૫,૩૭૧ પ્રવાસીઓ પહોંચ્યા હતા. માનસ, કાઝીરંગા અને પોબિતોરા ત્રણેય પ્રવાસન સ્થળો સંપૂર્ણ રીતે કાર્યરત થતાંની સાથે જ આસામનું મુખ્ય વાઇલ્ડલાઇફ સબ્જેક્ટ પ્રવાસીઓ માટે સંપૂર્ણપણે સક્રિય થઈ જશે.

ચોમાસા બાદ સુરક્ષિત પર્યટનનો પ્રારંભ
આસામના પર્યાવરણ અને વન મંત્રી જયંત મલ્લા બરુઆએ તમામ રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો ખોલવાના સમયપત્રક વિશે સત્તાવાર વિગતો આપી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે ચોમાસા દરમિયાન જંગલોની સ્થિતિ, રસ્તાઓનું ધોવાણ અને વન્યજીવોની સુરક્ષા જેવા કારણોસર પ્રવાસીઓનો પ્રવેશ રોકવો એ એક વાર્ષિક પ્રક્રિયા છે. હવે વરસાદનો સમય પૂરો થતાં અને વાતાવરણ અનુકૂળ બનતાં આસામના કુદરતી જંગલો સૈલાણીઓને આવકારવા માટે સજ્જ બની ગયા છે.
વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો