દેશમાં 5 રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે. જેને લઈને આજે ચૂંટણી પંચે પત્રકાર પરિષદ યોજી છે અને તેમાં 5 રાજ્યો પશ્ચિમ બંગાળ, કેરલમ, પુડ્ડુચેરી, અસમ અને તમિલનાડુમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ પશ્ચિમ બંગાળમાં બે તબક્કામાં 23 અને 29 એપ્રિલ 2026એ મતદાન યોજાશે તો તમિલનાડુમાં 23 એપ્રિલ 2026એ મતદાન યોજાશે. કેરલમમાં 9 એપ્રિલ 2026એ પ્રથમ તબક્કામાં મતદાન યોજાશે. જ્યારે અસમમાં 9 એપ્રિલ 2026એ મતદાન યોજાશે અને પુડ્ડુચેરીમાં 9 એપ્રિલ 2026એ મતદાન યોજાશે. 4 મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. 5 રાજ્યમાં કૂલ 17.5 કરોડ મતદારો છે, જે પોતાના મતાધિકારનો ઉપયોગ આ ચૂંટણીમાં કરશે. 5 રાજ્યમાં 2.19 લાખ પોલિંગ બુથ છે. 25 લાખ ચૂંટણી અધિકારીઓ ચૂંટણીમાં કામગીરી માટે જોડાશે અને 8 લાખ જવાનો સુરક્ષા પુરી પાડશે.
કૂલ 5 રાજ્યમાં 824 સીટ પર યોજાશે ચૂંટણી
ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી છે, જેમાં કુલ 824 બેઠકો પર મતદાન યોજાશે. પશ્ચિમ બંગાળમાં 294 બેઠકો માટે ચૂંટણી યોજાશે, જે આ રાજ્યોમાં સૌથી વધુ છે. તમિલનાડુમાં 234 બેઠકો માટે મતદાન થશે, જ્યારે કેરળમાં 140 બેઠકો માટે મતદારો પોતાના પ્રતિનિધિઓ પસંદ કરશે. અસમમાં 126 બેઠકો માટે ચૂંટણી યોજાશે. કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં 30 બેઠકો માટે મતદાન થશે. આ તમામ રાજ્યોમાં ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે અને મતદારોમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે. ચૂંટણી પરિણામો રાજકીય દિશા નક્કી કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
